<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

ઔરંગઝેબપુર હવેથી શિવાજી નગર તરીકે ઓળખાશે : ઉત્તરાખંડમાં 4 જિલ્લાના 17 સ્થળોના નામ બદલાયા

હરિદ્વાર, દેહરાદૂન, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લાના શહેરોના નામ બદલાશે :હરિદ્વાર જિલ્લાના ઔરંગઝેબપુરનું નામ શિવાજી નગર રાખવામાં આવશે

ઉત્તરાખંડના 4 જિલ્લાના 17 સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દેહરાદૂન, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામ બદલવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે આ સ્થળોનું નવું નામકરણ જનભાવના અને ભારતીય સંસ્કૃતિ અને વારસાને અનુલક્ષીને કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ કોંગ્રેસે આ નિર્ણયને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે

  મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા હરિદ્વાર, દેહરાદૂન, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી છે

  સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર હરિદ્વાર જિલ્લાના ઔરંગઝેબપુરનું નામ શિવાજી નગર રહેશે. ગાજીવલીનું નામ આર્યનગર, ચાંદપુરનું નામ જ્યોતિબા ફૂલે નગર, મોહમ્મદપુર જાટનું નામ મોહનપુર જાટ, ખાનપુર કુરસાલીનું નામ આંબેડકર નગર, ઈદ્રીશપુરનું નામ નંદપુર, ખાનપુરનું નામ શ્રી કૃષ્ણપુર અને અકબરપુર ફાજલપુરનું નામ વિજયનગર રાખવામાં આવ્યું છે

  દેહરાદૂન જિલ્લાના દેહરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશન બ્લોકના મિયાંવાલાનું નામ રામજીવાલા, વિકાસનગર બ્લોકના પીરવાલાને કેસરી નગર, વિકાસનગરના ચાંદપુર ખુર્દનું નામ પૃથ્વીરાજ નગર અને સહસપુર બ્લોકના અબ્દુલ્લાપુરનું નામ દક્ષિણનગર રાખવામાં આવ્યું છે.

  નૈનીતાલ જિલ્લામાં નવાબી રોડને અટલ માર્ગ, વોટર મિલથી આઈઆઈટી માર્ગને ગુરુ ગોલ્વરકર માર્ગ નામ આપવામાં આવ્યું છે. વધુમાં, ઉધમ સિંહ નગર જિલ્લાની નગર પંચાયત સુલતાનપુર પટ્ટીનું નામ બદલીને કૌશલ્યા પુરી કરવામાં આવ્યું છે.

  આ નિર્ણય અંગે સીએમ પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે, વિવિધ સ્થળોના નામ બદલવાની કામગીરી લોક લાગણી અને ભારતીય સંસ્કૃતિ અને વારસાને અનુલક્ષીને કરવામાં આવી રહી છે જેથી કરીને લોકો ભારતીય સંસ્કૃતિ અને તેની જાળવણીમાં યોગદાન આપનાર મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકે

(10:25 PM IST)