News of Tuesday, 1st April 2025
ડીસા ફટાકડા કાંડમાં 17 મૃતકોના પરિવારને 4 લાખની સહાય અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત
મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપ્યા હતા. દોષિતોને સરકાર છોડશે નહી કે કોઇ ચમરબંધીને છોડવામાં આવશે નહી તેવી ફરી એકવાર બાંહેધરી આપી

ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ અને ત્યાર બાદ થયેલા વિસ્ફોટમાં 17 લોકોનાં મોત નિપજ્યાં છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારના બારીઓના કાચ ફુટી ગયા હતા. બોમ્બ બ્લાસ્ટ જેવો ભયાનક અવાજ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપ્યા હતા. દોષિતોને સરકાર છોડશે નહી કે કોઇ ચમરબંધીને છોડવામાં આવશે નહી તેવી ફરી એકવાર બાંહેધરી આપવામાં આવી હતી.
ઉદ્યોગમંત્રી પોતે ઘટના સ્થળે હાજર છે. તેમણે મુખ્યમંત્રી વતી મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારને સાંત્વના આપી હતી. આ ઉપરાંત તેમણે મુખ્યમંત્રી તરફથી કરાયેલી સહાયની જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને સમગ્ર મામલે ખેદ વ્યક્ત કરતા સહાયની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે શ્રમિકોનાં નિપજેલા મોત ખુબ જ હૃદયદ્રાવક છે. દુખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના જે પણ ઇજાગ્રસ્ત થયા તેમની તથા મૃતકોના પરિવાર સાથે છે. ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર થાય અને તેઓ ઝડપથી રિકવરી આવે તે માટે સુચનો હોસ્પિટલને આપી દેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઇજાગ્રસ્તોને સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરૂ છું.
વિસ્ફોટના કારણે મૃત્યુ પામેલા લોકોનો આંકડો હજી પણ વધે તેવી શક્યતા છે. ગોડાઉનના કાટમાળ હેઠળ હજુ પણ અનેક લોકો ફસાયેલા હોય તેવી શક્યતા છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા રાહત અને બચાવકામગીરી ચલાવવામાં આવી રહી છે.
કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પણ આ સમગ્ર દુર્ઘટનાને દુઃખદ ગણાવી છે. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે, ગોડાઉન ફટાકડાનું વેચાણ કરવા માટેનું લાયસન્સ ધરાવતું હતું. જો કે ત્યાં ફટાડકાના સંગ્રહનું લાયસન્સ હતું. પરંતુ ત્યાં સંગ્રહ ઉપરાંત પ્રોડક્શન પણ ચાલી રહ્યું હતું. જે બિનકાયદેસર છે. વિપક્ષી નેતાએ સવાલ ઉઠાવ્યો કે, “વેચવાના લાયસન્સની આડમાં ઉત્પાદન ચાલી રહ્યું હતું. તો શું વહીવટી તંત્રને આ અંગે જાણ નહોતી?” તેમણે અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગતથી હપ્તારાજ ચાલતું હોવાના આક્ષેપ ફણ કર્યા હતા.

(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
