News of Friday, 4th April 2025
યુએસ શેરબજાર ક્રેશઃ ૫ વર્ષ પછી બજારમાં સૌથી મોટો ઘટાડોઃ S&P ૫૦૦ કંપનીઓએ $૨.૪ ટ્રિલિયન ગુમાવ્યા
ટ્રમ્પના ટેરિફથી અમેરિકન બજારોમાં બજાર બરબાદ .....મંદીના સંકેત! : ટ્રમ્પના ટેરિફને કારણે યુએસ માર્કેટ ખોરવાઈ ગયું છેઃ કોરોના કાળ જેવી સ્થિતિ

વોશીંગ્ટન તા.૪: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધને કારણે આખી દુનિયામાં અરાજકતા છે. ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકન બજારને મોટો ફટકો પડ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ ફરી એકવાર અમેરિકામાં મંદીના ભયને વધુ ઘેરો બનાવ્યો છે. ૨ એપ્રિલના ટેરિફ નિર્ણયને કારણે યુએસ શેરબજાર ક્રેશ થયું. અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. અમેરિકન બજારની હાલત કોરોના કાળ જેવી થઈ ગઈ છે. થોડી જ વારમાં, ૨.૪ ટ્રિલિયન ડોલર એટલે કે ૨૦,૪૭,૩૬,૫૬,૦૦,૦૦,૦૦૦ રૂપિયાનો નાશ થઈ ગયો.
હા, વોલ સ્ટ્રીટના બેન્ચમાર્ક સૂચકાંકો ૨૦૨૦ પછી એક જ દિવસમાં સૌથી મોટા ટકાવારીના ઘટાડા સાથે બંધ થયા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા પછી, વેપાર યુદ્ધ અને વૈશ્વિક આર્થિક મંદીની આશંકા ફેલાઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક ટેરિફે દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. ચીન-પાકિસ્તાનથી લઈને ગરીબ એશિયન દેશો સુધી અરાજકતા છે.
ટેરિફની જાહેરાતને કારણે, ગુરુવારે અમેરિકાના મુખ્ય શેરબજારોમાં ૨૦૨૦ પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો. તે જ સમયે, ડોલરમાં પણ ઘટાડો થયો છે. ડાઉ, એસ એન્ડ પી ૫૦૦ અને નાસ્ડેક કમ્પોઝિટમાં ૨૦૨૦ પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો હતો. ૨૦૨૦માં જ્યારે કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ ત્યારે નાણાકીય બજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
કોણે કેટલા પૈસા ગુમાવ્યા?
હકીકતમાં, રોકાણકારોએ શેરબજારોમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરી દીધું છે અને તેને બોન્ડ અને યેન જેવા સુરક્ષિત ગણાતા સ્થળોએ રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે. S&P ૫૦૦ કંપનીઓના શેરબજાર મૂલ્યમાં ઼૨.૪ ટ્રિલિયનનો ઘટાડો થયો. આનો અર્થ એ થયો કે S&P ૫૦૦ કંપનીઓના શેરમાંથી $૨.૪ ટ્રિલિયન રૂા. ૨૦,૪૭,૩૬,૫૬,૦૦,૦૦,૦૦૦) ધોવાઈ ગયા. ૧૬ માર્ચ, ૨૦૨૦ ના રોજ કોરોનાવાયરસ રોગચાળો ફાટી નીકળ્યા પછી આ એક દિવસમાં થયેલું સૌથી મોટું નુકસાન છે.
વોલ સ્ટ્રીટ પર નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ સૌથી વધુ ઘટયો. ઇન્ટ્રાડે ટ્રેડમાં તે ૫.૯૭% ઘટયો, જે માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. S&P ૫૦૦ અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં જૂન ૨૦૨૦ પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો છે.
હકીકતમાં, આયાતી માલ પર લાદવામાં આવેલા ૧૦%ના નવા ટેરિફ અને ડઝનબંધ દેશો પર લાદવામાં આવેલા બદલો ટેરિફને કારણે વેપારીઓ ચિંતિત છે. ટ્રમ્પ કહે છે કે આ દેશોમાં વેપાર અવરોધો છે. રોકાણકારોને ડર છે કે સંપૂર્ણ વિકસિત વેપાર વિવાદ વિશ્વ અર્થતંત્રમાં મોટી મંદી લાવી શકે છે અને ફુગાવો વધારી શકે છે. અમેરિકાએ એવા સમયે નવા ટેરિફ લાદ્યા છે જ્યારે વિશ્વ અર્થતંત્ર હજુ સુધી કોરોના મહામારીને કારણે થયેલા ફુગાવામાંથી બહાર આવ્યું નથી અને ભૂ-રાજકીય તણાવનો સામનો કરી રહ્યું છે.(૩૮.૮)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
