હવે નહીં તૂટે બંગડીઓ, નહીં ભૂંસાય સિંદૂર : મહારાષ્ટ્રના સાત હજારથી વધુ ગામોમાં વિધવા પ્રથા નાબૂદ : હેરવાડથી શરૂ થયેલી પહેલે લાવ્યું સામાજિક પરિવર્તન
કોલ્હાપુરના હેરવાડ ગામથી શરૂ થયેલી લહેરે 7,683 ગામોમાં બદલી પરંપરા : વિધવાઓને મળ્યું સન્માન સાથે જીવવાનું સ્થાન

કોલ્હાપુર, તા. 06 એપ્રિલ 2025 : મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હેરવાડ ગામે વર્ષ 2022માં એક ઐતિહાસિક પગલું ભર્યું હતું, જ્યારે તેણે વિધવા થતી મહિલાઓ પર લાદવામાં આવતી પરંપરાગત પ્રથાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નાનકડા ગામથી શરૂ થયેલી આ પહેલ આજે મહારાષ્ટ્રના સાત હજારથી વધુ ગામોમાં સામાજિક પરિવર્તનનું કારણ બની છે. રાજ્યની 27,000 ગ્રામ પંચાયતોમાંથી 7,683 ગામોએ ગ્રામસભાઓ યોજીને જાહેર કર્યું છે કે, હવે તેમના ગામોમાં વિધવાઓ સાથે ભેદભાવ કરતી કોઈ પણ રીતિ-રિવાજનું પાલન નહીં થાય.
હેરવાડે દેખાડી રાહ, દેશનું પ્રથમ ગામ બન્યું:
હેરવાડ ગામે વર્ષ 2022માં એક પ્રસ્તાવ પસાર કરીને દેશમાં પ્રથમ એવું ગામ બનવાનું ગૌરવ મેળવ્યું, જેણે વિધવાઓના મંગળસૂત્ર અને પગની બિછિયાં ઉતારવા, સિંદૂર ભૂંસવું અને બંગડીઓ તોડવા જેવી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. આ પગલાંથી પ્રેરાઈને મહારાષ્ટ્રના અનેક ગ્રામીણ વિસ્તારોમાં વિધવાઓને સામાજિક જીવનમાં સામેલ કરવાનું શરૂ થયું. આજે આ ગામોમાં વિધવાઓ સાર્વજનિક ગણપતિ પૂજા, હળદી-કુમકુમના કાર્યક્રમો અને ધ્વજારોહણ જેવા પ્રસંગોમાં ભાગ લઈ રહી છે. હેરવાડના પૂર્વ સરપંચ સુરગોંડા પાટિલે જણાવ્યું કે, “બંગડીઓ તોડવી, મંગળસૂત્ર અને બિછિયાં ઉતારવાની પરંપરા લગભગ નાબૂદ થઈ ગઈ છે. અગાઉ અમે મૃત્યુ થયેલા ઘરોમાં જઈને તપાસ કરતા હતા કે આ પ્રથાઓ થાય છે કે નહીં, પરંતુ હવે લોકો જાગૃત થયા છે.” તેમણે ઉમેર્યું કે, ગામની કેટલીક વિધવાઓએ ફરીથી લગ્ન કર્યા છે અને તેમને સામાજિક-ધાર્મિક કાર્યક્રમોમાં સન્મanન સાથે સામેલ કરવામાં આવે છે.
વિધવાઓને મળી નવી ઓળખ, સન્માન સાથે જીવન:
હેરવાડ ગામની રહેવાસી વૈશાલી પાટિલે, જેમણે 12 વર્ષ પહેલાં પતિ ગુમાવ્યા હતા, જણાવ્યું કે, “ગામમાં વિધવાઓ સાથે હવે સન્માન અને ગરિમા સાથે વ્યવહાર થાય છે. લોકોને સમજાયું છે કે અમે પણ માનવી છીએ. જોકે, માનસિકતા બદલવામાં હજુ સમય લાગશે, કારણ કે સદીઓ જૂની પરંપરાઓ રાતોરાત નાબૂદ નથી થઈ શકતી.” તેમણે કહ્યું કે, કુટુંબના વડીલોને કેટલીક પ્રથાઓ છોડવા માટે સમજાવવું હજુ પડકારજનક છે, અને આ દિશામાં કામ ચાલુ છે.
નાગપુરથી નાસિક સુધીની પહેલ:
નાગપુર જિલ્લાના કડોલી ગામના પૂર્વ સરપંચ પ્રાંજલ વાઘે જણાવ્યું કે, તેમણે હેરવાડના પ્રસ્તાવ પહેલાં જ હલ્દી-કુમકુમ કાર્યક્રમોમાં વિધવાઓને આમંત્રિત કરવાની શરૂઆત કરી હતી. “મેં 2017થી 2022 સુધી સરપંચ તરીકે કામ કર્યું ત્યારે વિધવાઓ બહાર નીકળતી ન હતી. મેં તેમને આમંત્રણ આપ્યું અને ભેટસોગાદો આપી. ગ્રામસભાએ આ પ્રથાઓ પર પ્રતિબંધનો પ્રસ્તાવ પસાર કર્યો, પણ તેનું સખત પાલન નથી થતું,” એમ તેમણે કહ્યું. તેઓ દર વર્ષે 1,000 મહિલાઓને હલ્દી-કુમકુમ માટે આમંત્રે છે. નાસિક જિલ્લાના મુસલગાંવના સરપંચ અનિલ શિરસાટે જણાવ્યું કે, “અમારું ગામ 90 ટકા સાક્ષર છે અને અહીં વિધવાઓ સામે ખરાબ પ્રથાઓ નથી. મંગળસૂત્ર ઉતારવું કે સિંદૂર ભૂંસવું એવું નથી થતું. છેલ્લાં ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતના ફંડના 15 ટકા દર વર્ષે પાંચ જરૂરિયાતમંદ વિધવાઓની મદદ માટે વાપરીએ છીએ.” તેમણે ઉમેર્યું કે, આગામી ગ્રામસભામાં વિધવાઓના સશક્તિકરણનો પ્રસ્તાવ પસાર કરાશે અને સ્વ-સહાય જૂથોમાં તેમને સામેલ કરી આર્થિક રીતે મજબૂત બનાવવામાં આવશે.
ગ્રામ પંચાયતોની સક્રિય ભૂમિકા:
નાસિક જિલ્લાના ધોંડવીર નગર ગ્રામ પંચાયતના સભ્ય સંજય પવારે જણાવ્યું કે, “અમારી ગ્રામસભાએ વિધવાઓને સન્માન સાથે જીવવાની ખાતરી આપવાનો સંકલ્પ લીધો છે. અમે તેમને સરકારી યોજનાઓ હેઠળ પેન્શન અને ઘર મળે તેની કાળજી રાખીએ છીએ. તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવું એ અમારી પ્રાથમિકતા છે.” કોલ્હાપુર, સાંગલી અને સોલાપુર જિલ્લામાં કામ કરતા સામાજિક કાર્યકર લલિત બાબરે કહ્યું કે, “સાંગોલામાં 76 ગ્રામ પંચાયતોએ વિધવાઓ સાથે ભેદભાવ કરતી સદીઓ જૂની પરંપરાઓ નહીં અપનાવવાની શપથ લીધી છે. અમે બ્લોક વિકાસ અધિકારીઓ અને એકીકૃત બાળ વિકાસ સેવા (ICDS) કાર્યકરોને સાથે જોડ્યા છે. જ્યારે કોઈના મૃત્યુના સમાચાર મળે, ત્યારે અમે તે ઘરે જઈને તપાસ કરીએ છીએ કે વિધવાને કોઈ પ્રથા માટે દબાણ તો નથી થતું ને.”
જાગૃતિ અભિયાનની જરૂરિયાત:
લલિત બાબરે ઉમેર્યું કે, “કોઈ શોકગ્રસ્ત મહિલા સ્વેચ્છાએ આવા રિવાજોમાં ભાગ નથી લેતી, તેને દબાણ કરવામાં આવે છે. જ્યારે અમે લોકોને કહીએ કે આ પ્રથાઓ પર પ્રતિબંધ છે, તો મોટાભાગના લોકો સાંભળે છે, પણ 10થી 20 ટકા હજુ પાલન નથી કરતા.” તેમણે જણાવ્યું કે, વિધવા પ્રથાઓ પર પ્રતિબંધ માટે સરકારને ડ્રાફ્ટ કાયદો સોંપવામાં આવ્યો છે, પરંતુ માત્ર કાયદો પૂરતો નથી. “જાગૃતિ અભિયાનની જરૂર છે. આશા અને આંગણવાડી કાર્યકરો આમાં મોટી મદદ કરી શકે છે,” એમ તેમણે કહ્યું.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની પહેલ:
દેશમાં વિધવાઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ગયા વર્ષે એક પરામર્શ જારી કર્યો હતો. આ પરામર્શમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિધવાઓના જીવનની ગુણવત્તા સુધારવા અને તેમની ગરિમાની રક્ષા કરવા જણાવાયું હતું. મહારાષ્ટ્રના આ ગામોએ આ દિશામાં નોંધપાત્ર પગલાં ભરીને દેશભરમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. (ગાંવજંકશન માંથી સાભાર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
