<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

જયપુરથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની મળી ધમકી :ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

વિમાનના શૌચાલયમાં એક ધમકીભરી નોંધ મળી : વિમાનને એરપોર્ટના એક અલગ અને દૂરના વિસ્તારમાં પાર્ક કરાયું

જયપુરથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. આ ઘટના સોમવારે રાત્રે ૮:૫૦ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે વિમાનને સુરક્ષા હેઠળ મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. સુરક્ષા પ્રોટોકોલ મુજબ, વિમાનને એરપોર્ટના એક અલગ અને દૂરના વિસ્તારમાં પાર્ક કરવામાં આવ્યું છે. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે હજુ સ્પષ્ટ નથી.

  આ બાબતની માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, "૭ એપ્રિલે જયપુરથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ ૬ઈ ૫૩૨૪માં બોમ્બ હોવાની ધમકી બાદ કટોકટી જાહેર કરવામાં આવી હતી." એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના શૌચાલયમાંથી એક ધમકીભરી નોંધ મળી આવી હતી, ત્યારબાદ તાત્કાલિક એલર્ટ લેવામાં આવ્યું હતું અને વિમાનને લેન્ડ કરવામાં આવ્યું હતું

  આ પહેલા રવિવારે રાત્રે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના ચિકલથાણા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. મળતી માહિતી મુજબ, વિમાનમાં સવાર 89 વર્ષીય મહિલાની તબિયત બગડ્યા બાદ આ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, એરપોર્ટ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી. એટલે કે મહિલાનું મૃત્યુ ફ્લાઇટમાં જ થયું હતું. 

 મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની સુશીલા દેવી મુંબઈથી વિમાનમાં ચઢી હતી અને ફ્લાઇટ દરમિયાન તેને અસ્વસ્થતા અનુભવાવા લાગી. અધિકારીના જણાવ્યા અનુસાર, તબીબી કટોકટીના કારણે, વિમાને રાત્રે લગભગ 10 વાગ્યે ચિકલથાણા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું.

(12:49 AM IST)