News of Tuesday, 8th April 2025
તેલનું તળાવ :૧૦ હજાર લીટર સરસવ તેલથી ભરેલું ટેન્કર ખાડામાં પલટી ગયું : ગામના લોકો જે હાથમાં આવ્યું તે લઈને પહોંચી ગયા
ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયો છે

ગાજીપુર, તા.૮: ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં ૧૦ હજાર લીટરની ક્ષમતાવાળો સરસવ તેલથી ભરેલું ટેન્કર પલટી ગયું. આ દુર્ઘટના બાદ નજીકમાં આવેલો ખાડો તેલથી ભરાઈ ગયો. એક નજરે જોતા એવું લાગતું હતું જાણે તેલનું તળાવ હોય. જે બાદ સ્થાનિક લોકો તેલ લૂંટવા આવી ગયા. લોકો બોટલ, ડ્રમ, ડોલમાં ભરીને તેલ પોતાના ઘરે લઈ ગયા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના ગાજીપુરના વારાણસી-ગોરખપુર હાઈવે પર આવેલા નંદગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા નૈસારે ગામની છે. અહીં સોમવારે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. જેમાં સરસવ તેલથી ભરેલું એક ટેન્કર બેકાબૂ થઈને પલટી ગયું. દુર્ઘટનાનું કારણ ટેન્કર ચાલકને ઊંઘની ઝોકું આવી ગયું હતું. ટેન્કર પલટતા જ હજારો લીટર ખાડામાં વહી ગયું. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુર્ઘટના બાદ ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
સરસવ તેલથી ભરેલું ટેન્કર પલટી ગયા બાદ હજારો લીટર તેલ ખાડામાં જઈને પડ્યું. આ વાતની જાણ ગામના લોકોને થતાં ગામના લોકો વાસણો લઈને તૂટી પડ્યા. જે હાથમાં આવ્યું તે લઈને તેલ લેવા પહોંચી ગયા. ડબ્બા, ડોલ, બોટલ લઈને તેલ ભરવા લાગ્યા. અમુક લોકોએ તો માટી પણ સાથે સાથે લઈ ગયા.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ. હાલમાં આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તથા લોકોને આ ગંદુ તેલ ન લઈ જવા સલાહ આપી છે. છતાં સ્થાનિક લોકો સમજવા તૈયાર નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ તેલ જે ખાડામાં પડ્યું છે, તેમાં ગંદકી અને મરેલા ઢોર ફેંકવામાં આવે છે, તેમ છતાં લોકો તેમાં પડેલું તેલ ડબ્બામાં ભરીને ઘરે લઈ ગયા છે.(૨૩.૪)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
