News of Tuesday, 8th April 2025
નાણામંત્રી બાજુમાં જ છે, હું કહી દઈશ તો ITના અધિકારીઓ નહીં આવે
મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે PMનો સંવાદ

નવી દિલ્હી તા.૮: મુદ્રા યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન મોદીએ મંગળવારે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન કેટલીક એવી બાબતો પણ બની જ્યારે પીએમ મોદીએ લોકો સાથે રમૂજ અંદાજમાં વાત કરી.
મુદ્રા યોજના દેશના યુવાનો માટે
પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘‘આ યોજના મોદી માટે નથી. આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે છે. ભારતના લોકો માટે કંઈ પણ અસંભવ નથી. લાભાર્થીઓની યાત્રા પ્રેરણાદાયક છે. મુદ્રા યોજના દેશના યુવાનો માટે છે. તે યુવાનોને પોતાના પગ પર ઉભા કરવા માટે છે.''
આ દરમિયાન પીએમ મોદીએ એક લાભાર્થીને પૂછયું કે, હાલમાં તમારી આવક કેટલી છે? આ મામલે તે માણસનો ખચકાટ જોઈને પીએમ મોદીએ કહ્યું કે, નાણામંત્રી મારી બાજુમાં જ બેઠા છે, હું તેમને કહી દઈશ તો ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ નહીં આવે. આ સાંભળીને બધા જોર-જોરથી હસવા લાગ્યા.
તમને જણાવી દઈએ કે, મુદ્રા યોજનાની શરૂઆત ૮ એપ્રિકલ ૨૦૧૫ના રોજ થઈ હતી. તેનાથી દર વર્ષે મુદ્રા યોજના હેઠળ ૫.૧૪ કરોડ નોકરીઓનું સર્જન થયું છે. આ યોજના હેઠળ સરકારે ૧૦ વર્ષમાં ૫૩ લાખ કરોડ રૂપિયાની લોન આપી છે
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવ્યું કે, મુદ્રા યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર મેં દેશભરના મુદ્રા લાભાર્થીઓને પોતાના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. લાભાર્થીઓએ અમને જણાવ્યું કે, આ યોજનાથી તેમના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું છે
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
