<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

કોંગ્રેસનાં અધિવેશનનો પ્રારંભ : ભાજપને હંફાવવા ઘડાતી નીતિ : જુઓ વિડિયો

ખડગે - સોનિયા - રાહુલ સહિત દિગ્‍ગજ નેતાઓ અમદાવાદમાં : પ્રિયંકાની સૂચક ગેરહાજરી કોંગ્રેસની દશા-દિશા નક્કી થશે : ભ્રષ્‍ટાચાર - બેરોજગારી - સામાજીક અન્‍યાય - મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ભીડવવા રણનીતિ ઘડાશે

નવી દિલ્‍હી, તા.૮: કોંગ્રેસ પાર્ટીની સેન્‍ટ્રલ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક આજે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્‍મારક ખાતે પ્રારંભ થયો હતો. આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, તેમની માતા અને કોંગ્રેસ સંસદીય દળના અધ્‍યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે જોવા મળ્‍યા હતા પરંતુ ગાંધી પરિવારની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા આ દરમિયાન ગેરહાજર હતા. તેમની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચાને જન્‍મ આપ્‍યો છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પ્રિયંકા ગાંધી પરિવારના એક સભ્‍યની સારવાર માટે વિદેશ પ્રવાસે છે. લોકસભા સ્‍પીકર અને કોંગ્રેસ સંસદીય પક્ષને તેમની ગેરહાજરી વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. કોંગ્રેસના સત્તાવાર સૂત્રો દ્વારા આ સ્‍પષ્ટતા આપવામાં આવી છે, જેથી તેમની ગેરહાજરી અંગે કોઈપણ પ્રકારની અટકળોને રોકી શકાય. આ બેઠકમાં કોંગ્રેસની આગામી રણનીતી ઘડાશે. તેમજ ભ્રષ્‍ટાચાર, બેરોજગારી, સામાજીક અન્‍યાય, મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ઘેરવાની રણનીતી નક્કી કરાશે.

ગુજરાતમાં બે વર્ષ પછી એટલે કે ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ગઈ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસને ઘણું નુકસાન પહોંચાડયું હતું. આ CWC બેઠક ગુજરાતમાં કોંગ્રેસ માટે એક મહત્‍વપૂર્ણ પગલું માનવામાં આવે છે કારણ કે તે રાજ્‍યમાં પાર્ટીને પુનર્જીવિત કરવા અને સંગઠનાત્‍મક માળખાને મજબૂત બનાવવાના વ્‍યૂહાત્‍મક પ્રયાસનો એક ભાગ છે. બેઠક પછી, ૯ એપ્રિલે સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટી (AICC) નું એક સંમેલન પણ યોજાશે. આ કાર્યક્રમ એટલા માટે પણ ખાસ છે કારણ કે લગભગ છ દાયકા પછી ગુજરાતમાં AICCનું સત્ર યોજાઈ રહયું છે. મહાત્‍મા ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવાની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયું છે.

બેઠકમાં રાજકીય, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર ઘણા ઠરાવો પસાર થવાની અપેક્ષા છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતમાં પક્ષના માળખામાં મોટા ફેરફારો વિશે વાત કરી હતી, જેમાં તેમણે રાજ્‍ય એકમમાંથી ભાજપ સાથે સહયોગમાં કામ કરતા નેતાઓને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્‍યો હતો. આ સંદર્ભમાં, આ બેઠકને કોંગ્રેસ માટે ‘‘રીસેટ મોમેન્‍ટ'' તરીકે જોવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્‍ય ૨૦૨૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પડકાર આપવાનો છે. પ્રિયંકા ગાંધીની ગેરહાજરીએ તેમના વધતા રાજકીય કદ વિશે ચર્ચાઓને વધુ વેગ આપ્‍યો છે. તાજેતરના મહિનાઓમાં, સંગઠનમાં તેમની મોટી ભૂમિકા ભજવવાની શક્‍યતા વિશે ચર્ચા થઈ રહી હતી. ખાસ કરીને પ્રસ્‍તાવિત ચૂંટણી વ્‍યવસ્‍થાપન સમિતિના નેતૃત્‍વ અંગે.

અમદાવાદ આવતી ફલાઇટમાં  બોમ્‍બની અફવા : સોનીયા ગાંધી  - રાહુલ ગાંધી મોડા પહોંચ્‍યા

અમદાવાદ એરપોર્ટ ઉપર લંડનથી આવેલી ફલાઇટનું ચેકીંગ થયા બાદ કોંગ્રેસના નેતાઓની ફલાઇટ ઉતરી શકી

અમદાવાદ, તા.૮: છેલ્લા એક વર્ષથી ભારતમાં ફ્‌લાઇટને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીઓનો ટ્રેન્‍ડ વધ્‍યો છે.  એવામાં આજે અમદાવાદ એરપોર્ટ પર લંડનથી આવતી ફ્‌લાઇટને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીના કારણે સુરક્ષા એજન્‍સીઓ દોડતી થઈ ગઈ હતી. આટલું જ નહીં ધમકીના કારણે અન્‍ય વિમાનો પર પણ તેની અસર થઈ હતી.

નોંધનીય છે કે લંડનથી અમદાવાદ આવી રહેલી ફ્‌લાઇટના ટોઇલેટમાં લેટર મળ્‍યો હતો કે બે કલાકમાં ફ્‌લાઇટને બોમ્‍બથી ઉડાવી દેવામાં આવશે. જે બાદ અમદાવાદ એરપોર્ટ પર બોમ્‍બ સ્‍કવોડ દ્વારા ફ્‌લાઇટનું ચેકિંગ કરવામાં આવ્‍યું. ફ્‌લાઇટમાં કોઈ જ વાંધાજનક વસ્‍તુ ન મળતા આ અફવા કોણે ફેલાવી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ફ્‌લાઇટમાં બોમ્‍બની અફવાના કારણે જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવામાં વિલંબ થયો હતો. એરપોર્ટ પર લંડનવાળી ફ્‌લાઇટનું ચેકિંગ સમાપ્ત થયું તે બાદ જ રાહુલ ગાંધીના ચાર્ટર્ડ પ્‍લેનને અમદાવાદમાં ઊતરવાની મંજૂરી આપવામાં આવી હતી.

(5:22 PM IST)