<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

દિલ્હીમાં માત્ર 15 હજારની નોકરી કરતા યુવકને આવકવેરા વિભાગે 26 કરોડની ફટકારી નોટિસ

મેટલ બર્ડ નામની બે કંપનીઓ હરિયાણા અને પુણેમાં તેના નામે :વર્ષ 2021-22ના ટર્નઓવર મુજબ, આ બંને કંપનીઓ પર લગભગ 26 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આવકવેરા વિભાગે અહીંના એક ગરીબ યુવકને 26 કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે. આ યુવક દિલ્હીમાં માત્ર 15 હજાર રૂપિયાની નોકરી કરતો હતો. આ સમગ્ર મામલો હરદોઈ જિલ્લાના પાલી પોલીસ સ્ટેશન વિસ્તારના અત્રાજી ગામનો છે. અહીં રહેતા રાજેશ કુમાર દિલ્હીમાં એક મોબાઇલ કંપનીમાં કામ કરે છે. થોડા દિવસ પહેલા તેમના પરિવારના સભ્યોએ તેમને વોટ્સએપ પર આવકવેરા વિભાગની નોટિસ મોકલી હતી. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો રુપિયા 26 કરોડ કર બાકી છે. આ જોઈને રાજેશ ચોંકી ગયો હતો.

રાજેશ તરત જ દિલ્હીથી હરદોઈ સ્થિત પોતાના ઘરે આવ્યો. આ પછી તે આવકવેરા કચેરી પહોંચ્યો. અહીં માહિતી એકઠી કરતાં જાણવા મળ્યું કે મેટલ બર્ડ નામની બે કંપનીઓ હરિયાણા અને પુણેમાં તેના નામે ચાલી રહી છે. વર્ષ 2021-22ના ટર્નઓવર મુજબ, આ બંને કંપનીઓ પર લગભગ 26 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે.

આ ઉપરાંત રાજેશે જણાવ્યું કે તે 2019 માં લગ્ન પછી નોકરીની શોધમાં દિલ્હી ગયો હતો. નોકરી મેળવવા માટે રાજેશે ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા અને ત્યાં આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી જેવી માહિતીઓ આપી હતી. રાજેશને શંકા છે કે તેણે નોકરી મેળવવા માટે આપેલી માહિતીનો દુરુપયોગ થયો છે અને તેમના નામે નકલી કંપનીઓ ખોલવામાં આવી છે.

રાજેશે આવકવેરા વિભાગના અધિકારીઓને પોતાની આર્થિક સ્થિતિ સમજાવીને મદદ માટે વિનંતી કરી છે. અધિકારીઓએ તેમને ક્રાઈમ બ્રાન્ચમાં જઈને આ બાબતની ફરિયાદ કરવાની સલાહ આપી છે.

(12:27 AM IST)