તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Wednesday, 9th April 2025
હવે ટ્રમ્પનો ફાર્મા કંપનીઓ ઉપર ટેરિફનો બોમ્બ: ભારતીય કંપનીઓને મોટો ફટકો: ફાર્મા કંપનીઓના શેરોમાં ઘટાડો

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દેતી જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પર ભારે ટેરિફ લાદવામાં આવશે, જેની સીધી અસર ભારતીય ફાર્મા ઉદ્યોગ પર પડશે. આ જાહેરાતથી ભારતીય ફાર્મા કંપનીઓના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે અને ઉદ્યોગપતિઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ટ્રમ્પનું નિવેદન: અમેરિકન સ્વપ્નનું રક્ષણ: વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું, "અમે ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લાગુ થશે. મારું કામ અમેરિકન સ્વપ્નનું રક્ષણ કરવાનું છે. મારે અમેરિકન નાગરિકોની સુરક્ષા કરવી છે, એ મારું કામ છે." ટ્રમ્પે આ પહેલાં ૨ એપ્રિલને અમેરિકા માટે "મુક્તિ દિવસ" તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે, "અમેરિકાને ઘણા સમયથી આ મુક્તિ દિવસની જરૂર હતી."
આ પહેલાં ટ્રમ્પે ચીન પર ૫૦ ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેના કારણે ચીન પર કુલ ટેરિફ ૧૦૪ ટકા સુધી પહોંચી ગયો છે. હવે ફાર્મા ક્ષેત્ર પર ટેરિફની જાહેરાતથી ભારત જેવા દેશો માટે પણ પડકારો વધવાની શક્યતા છે.
ભારતીય ફાર્મા પર અસર: ભારત અમેરિકામાં ફાર્મા ઉત્પાદનોની મોટી નિકાસ કરે છે. ભારત દ્વારા અમેરિકામાં કરાતી નિકાસમાં ફાર્માનો હિસ્સો ૧૧ ટકા છે, જેનું વાર્ષિક મૂલ્ય આશરે ૭૬૦૦૦ કરોડ રૂપિયા છે. ભારતીય ફાર્મા કંપનીઓ અમેરિકા પર નોંધપાત્ર રીતે નિર્ભર છે. ઉદાહરણ તરીકે:
-
ગ્લેન્ડ ફાર્મા: કુલ આવકનો ૫૦ ટકા હિસ્સો અમેરિકાથી.
-
અરબિંદો ફાર્મા: ૪૮ ટકા.
-
ડૉ. રેડ્ડીઝ લેબ: ૪૭ ટકા.
-
ઝાયડસ લાઇફ: ૪૬ ટકા.
-
લ્યુપિન: ૩૭ ટકા.
-
સન ફાર્મા: ૩૨ ટકા.
-
સિપ્લા: ૨૯ ટકા.
-
ટોરેન્ટ ફાર્મા: ૯ ટકા.
આ આંકડાઓ દર્શાવે છે કે ભારતીય ફાર્મા કંપનીઓની અમેરિકા પરની નિર્ભરતા તેમને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂતી આપે છે, પરંતુ ટેરિફના નવા નિર્ણયથી આ કંપનીઓની આવક અને નફાકારકતા પર મોટી અસર પડી શકે છે.
શેરબજારમાં ઘટાડો: ટ્રમ્પની આ જાહેરાતની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી. ફાર્મા કંપનીઓના સ્ટોક્સમાં ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેરિફના કારણે ભારતીય ફાર્મા ઉત્પાદનોની કિંમતો વધશે, જેનાથી અમેરિકામાં તેમની માંગ ઘટી શકે છે. આ ઉપરાંત, ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી કંપનીઓની સ્પર્ધાત્મક ક્ષમતા પણ ઘટી શકે છે.
અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ટ્રમ્પના આ પગલાથી વૈશ્વિક વેપાર પર નકારાત્મક અસર પડશે. ભારતીય ફાર્મા ઉદ્યોગ, જે જેનરિક દવાઓનું મોટું ઉત્પાદક છે, તેને અમેરિકન બજારમાં પોતાનું સ્થાન જાળવવા માટે નવી રણનીતિ ઘડવી પડશે. કેટલાક નિષ્ણાતો માને છે કે ભારતે અન્ય બજારો જેમ કે યુરોપ અને આફ્રિકા પર ધ્યાન કેન્દ્રિત કરીને અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ.
ટ્રમ્પના આ નિર્ણય સામે ભારત જવાબી ટેરિફ લાદશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. જોકે, ભારતીય વાણિજ્ય મંત્રાલયે આ મુદ્દે વિચારણા શરૂ કરી દીધી છે. સરકારે અગાઉ જણાવ્યું હતું કે તે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ ટેરિફ યુદ્ધની સ્થિતિમાં ભારતે પોતાની નિકાસને બચાવવા માટે સખત પગલાં લેવા પડી શકે છે.
આ ઘટનાક્રમથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પની "અમેરિકા ફર્સ્ટ" નીતિ હવે ફાર્મા ક્ષેત્રને પણ ભરડામાં લેશે, અને ભારતે આ પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
