<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

બિહારમાં વરસાદ અને વીજળીનો કહેર : અત્યાર સુધીમાં વીજળી પડવાથી 22 લોકોનાં મોત : મુખ્યમંત્રીએ કરી રાહત રકમની જાહેરાત

ગરમીથી રાહત આપનાર વરસાદ બન્યો આફત : મધુબની, દરભંગા, બેગુસરાય અને સમસ્તીપુર સાહિના જિલ્લાઓમાં વીજળીના કારણે ઘરોના દીવા બુઝાયા : મૃત્યુઆંક વધવાની આશંકા

પટના: બિહારમાં બદલાયેલા હવામાને લોકોને એક તરફ બળબળતી ગરમીથી રાહત આપી, તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં વરસાદ અને વીજળી આફત બનીને તૂટી પડી. બુધવારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેની સાથે વીજળી પડવાની ઘટનાઓએ ૧૩થી વધુ લોકોના જીવ લીધા. આ ઘટનાઓમાં મૃત્યુઆંક હજુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમના માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.  

હવામાન વિભાગના અગાઉના અનુમાન મુજબ, બુધવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની પવન સાથે ભારે વરસાદ નોંધાયો. આ વરસાદે લોકોને ચીલચીલાતી ગરમીમાંથી રાહત તો આપી, પરંતુ ઘણા જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટનાઓએ ભારે નુકસાન પહોંચાડ્યું. આકાશી વીજળીના કારણે અનેક ઘરોના દીવા બુઝાઈ ગયા અને ૧૦થી વધુ લોકોના જીવ ગયા, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.  

મુખ્યમંત્રીએ જાહેર કરી ૪-૪ લાખની સહાય:
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના ચાર જિલ્લાઓમાં વીજળી પડવાથી થયેલા ૧૩ મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાની અનુદાન રકમ આપવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારે કહ્યું કે, આ આફતના સમયે તેઓ પ્રભાવિત પરિવારોની સાથે છે અને તેમને દરેક શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.  

સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ:
વીજળી પડવાની ઘટનાઓથી સૌથી વધુ અસર મધુબની, દરભંગા, બેગુસરાય અને સમસ્તીપુર જિલ્લાઓમાં જોવા મળી. મધુબનીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા, જ્યારે બેગુસરાયમાં પાંચ, દરભંગામાં ચાર અને સમસ્તીપુરમાં એક વ્યક્તિનું મોત નોંધાયું. આ ઉપરાંત, અન્ય જિલ્લાઓમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે.  

મૃત્યુઆંક ૨૨ સુધી પહોંચ્યો:
મુખ્યમંત્રી કાર્યાલયે ગુરુવારે તાજા અપડેટમાં જણાવ્યું કે, વીજળી પડવાની ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને ૨૨ સુધી પહોંચી ગયો છે. સીએમઓના નિવેદન મુજબ, બેગુસરાયમાં પાંચ, દરભંગામાં ચાર, મધુબનીમાં ત્રણ અને સમસ્તીપુરમાં એક મોતની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત, ગુરુવારે બેગુસરાય અને દરભંગામાં પાંચ, મધુબનીમાં ચાર, સમસ્તીપુર, સહરસા અને ઔરંગાબાદમાં બે-બે, તેમજ લખીસરાય અને ગયામાં એક-એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે.  

આ ઘટનાઓએ રાજ્યમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને પ્રશાસને લોકોને આગામી દિવસોમાં હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખી સાવચેતી રાખવા અપીલ કરી છે.

 

(1:42 PM IST)