News of Thursday, 10th April 2025
ગૃહમંત્રી અમિત શાહે ખોલ્યું પીએમ મોદી સાથેની પોતાની 'કેમેસ્ટ્રી' નું રહસ્ય : કહ્યું "એકસમાન વિચારધારા અને સહયોગથી દેશ માટે કામ કરીએ છીએ"
રાઇઝિંગ ભારત સમિટ 2025માં ગૃહમંત્રીએ જણાવી PM મોદી સાથેની લાંબી સફરની વાત : જણાવ્યું કે "વિચારધારા અમને જોડે છે, મતભેદનો સવાલ જ નથી, કાર્યકર્તાઓની મહેનતથી પાર્ટી મજબૂત"

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યક્રમ ‘રાઇઝિંગ ભારત સમિટ 2025’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અને સહયોગનું રહસ્ય ખોલ્યું છે. અમિત શાહે જણાવ્યું કે, તેમની અને PM મોદીની વિચારધારા એકસમાન હોવાથી બન્ને વચ્ચે ક્યારેય મતભેદ થતા નથી. દેશ અને સંવિધાનની ભલાઈ માટે બન્ને એકસાથે કામ કરે છે. શ્રી શાહે કહ્યું કે, PM મોદી જે લક્ષ્યો નક્કી કરે છે, તેને પૂર્ણ કરવામાં તેઓ અને હજારો કાર્યકર્તાઓ સાથે મળીને સહયોગ આપે છે. આ સહયોગ અને સમર્પણના કારણે જ ભાજપની સફળતાની સફર ચાલુ છે.
આ કાર્યક્રમમાં અમિતભાઈ શાહને સવાલ કરવામાં આવ્યો કે, આગામી વર્ષે નરેન્દ્રભાઈ મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થશે અને તમે લાંબા સમયથી તેમની સાથે નજીકથી કામ કર્યું છે. આ 'કેમેસ્ટ્રી' વિશે કંઈક જણાવો, આ જોડી આટલા વર્ષોથી કેવી રીતે સફળતાપૂર્વક કામ કરી રહી છે અને તમે એકબીજાને કેવી રીતે પૂરક બનો છો? આના જવાબમાં શ્રી શાહે જણાવ્યું કે, લાંબા સમય સુધી સાથે કામ કરવાથી એકબીજાની કાર્યશૈલી, વિચારસરણી અને સ્વભાવની સમજ આવી જાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું, "અમારી વિચારધારા અમને એકબીજા સાથે જોડે છે. આ વિચારધારા અમારા કામની માર્ગદર્શિકા છે, જેના કારણે મતભેદની સ્થિતિ જ ઊભી થતી નથી."
વિચારધારા અને સહયોગનો મજબૂત આધાર:
ગૃહમંત્રીએ વધુમાં સમજાવ્યું, "મોદીજી વિચારધારા, દેશ અને સંવિધાન માટે સતત કામ કરે છે, અને હું પણ એ જ રીતે વિચારું છું. જ્યારે વિચારો એક હોય તો મતભેદનો પ્રશ્ન જ નથી રહેતો." એકબીજાને સહયોગ કેવી રીતે આપો છો એવા સવાલના જવાબમાં શ્રી શાહે કહ્યું, "અમે બન્ને એકબીજાને અલગ-અલગ રીતે સહયોગ કરીએ છીએ. મોદીજી લક્ષ્યો નક્કી કરે છે, અને હું સાથીઓને એકત્ર કરીને તે લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરું છું. બીજી તરફ, મોદીજી અમારા નેતા તરીકે અમારી નાની-નાની ભૂલોને માફ કરીને સુધારે છે, જેથી અમે પણ પૂર્ણ બનીએ. આ રીતે અમે એકબીજા સાથે જોડાયેલા છીએ."
શ્રી શાહે એમ પણ જણાવ્યું કે, તેમની જેમ હજારો કાર્યકર્તાઓ વડાપ્રધાન મોદી સાથે જોડાયેલા છે. "મોદીજી અને અમારા નેતાઓએ કાર્યકર્તાઓને તૈયાર કરવાથી લઈને તેમને વિચારધારા પ્રત્યે સમર્પિત કરવા સુધીની મહેનત કરી છે. આજે હું જે છું, એ મોદીજીની મહેનતનું પરિણામ છે," એમ તેમણે ઉમેર્યું.
ચૂંટણી હાર્યા પણ પાર્ટી ન ખતમ થઈ:
ગૃહમંત્રી શાહે ભાજપની મજબૂતીનું રહસ્ય પણ ખોલ્યું. તેમણે કહ્યું, "અમે ઘણી ચૂંટણીઓ હાર્યા છીએ, પરંતુ અમારી પાર્ટી ક્યારેય ખતમ થઈ નથી કે નબળી પડી નથી. આનું કારણ એ છે કે અમારા કાર્યકર્તાઓ વિચારધારા, દેશ અને સંવિધાન માટે કામ કરે છે. જ્યારે કોંગ્રેસ યુપી કે બિહારમાં ચૂંટણી હારી, તો તે સાફ થઈ ગઈ. પરંતુ અમે હાર્યા છતાં મજબૂત રહ્યા, કારણ કે અમારું ધ્યેય ફક્ત સત્તા નથી, પણ દેશની સેવા છે."
આ કાર્યક્રમમાં અમિતબજાઈ શાહે પ્રધાનમંત્રી મોદી સાથેના લાંબા સહયોગને એક ઉદાહરણ તરીકે રજૂ કર્યો, જે દર્શાવે છે કે કેવી રીતે એકસમાન વિચારધારા અને પરસ્પર સમર્પણથી મોટા લક્ષ્યો હાંસલ કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "અમારી આગળની સફર પણ આ જ રીતે ચાલુ રહેશે, જ્યાં અમે દેશની પ્રગતિ માટે સતત કામ કરતા રહીશું." આ નિવેદનથી ભાજપની એકતા અને તેના નેતૃત્વની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે, જે રાજકીય ક્ષેત્રે એક મજબૂત સંદેશ આપે છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
