News of Thursday, 10th April 2025
દેશભરમાંથી સગીર છોકરીઓનું અપહરણ કરી જયપુરમાં ફાર્મહાઉસમાં 2.5 લાખમાં વેચતી ગેંગનો પર્દાફાશ : માસ્ટરમાઇન્ડ ગાયત્રી વિશ્વકર્માની પોલીસે કરી ધરપકડ
કાનપુરની 16 વર્ષની સગીરની હિંમતથી ખૂલ્યો માનવ તસ્કરીનો કાળો ધંધો : નકલી દસ્તાવેજો બનાવી બળજબરીથી લગ્ન કરાવતી હતી ગેંગ : એક વર્ષથી બંધક બનેલી સલમાની દયનીય હાલતમાં મળી

જયપુર, 10 એપ્રિલ 2025: દેશભરમાંથી સગીર છોકરીઓનું અપહરણ કરીને જયપુર લઈ જઈને તેમને ફાર્મહાઉસમાં બંધક બનાવી અને 2.5 લાખ રૂપિયા સુધીના ભાવે વેચી દેતી એક ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં મુખ્ય આરોપી ગાયત્રી વિશ્વકર્માની ધરપકડ કરવામાં આવી છે, જે નકલી દસ્તાવેજો બનાવીને આ છોકરીઓના બળજબરીથી લગ્ન કરાવtઈ હતી. આ કાળા ધંધાનો ખુલાસો ઉત્તર પ્રદેશના કાનપુરની 16 વર્ષની એક સગીર છોકરીની હિંમતને કારણે થયો, જેણે ફાર્મહાઉસમાંથી ભાગીને આ રેકેટની પોલ ખોલી નાખી.
પોલીસે મંગળવારે (8 એપ્રિલ) બસ્સી પોલીસ સ્ટેશનની ટીમે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી 40 વર્ષની સલમા નામની મહિલા દયનીય હાલતમાં મળી આવી હતી, જેને એક વર્ષથી બંધક બનાવવામાં આવી હતી. આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, કારણ કે ગાયત્રીએ પોતાને એનજીઓના નામે સામાજિક કાર્યકર તરીકે રજૂ કરીને આ ગેરકાયદેસર ધંધો ચલાવ્યો હતો.
અપહરણથી લઈને બળજબરીના લગ્ન સુધીની કાળી રમત:
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગાયત્રી વિશ્વકર્મા અને તેની ગેંગ દેશના અલગ-અલગ ભાગોમાંથી સગીર છોકરીઓનું અપહરણ કરીને તેમને જયપુરના સુજાનપુરા વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસમાં લાવતી હતી. અહીં તેમને ડ્રગ્સ આપવામાં આવતા, માર મારવામાં આવતો અને પ્રાણીઓ જેવો વ્યવહાર કરવામાં આવતો. તેમના દેખાવના આધારે 2 થી 2.5 લાખ રૂપિયામાં તેમનો સોદો થતો હતો. જે છોકરીઓ રિજેક્ટ થતી, તેમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતી.
ગાયત્રીએ પોતાની ઓળખ છુપાવવા માટે ફાર્મહાઉસમાં લગ્ન સમારંભોનું આયોજન કરતી, જેને આસપાસના લોકો ધાર્મિક કાર્ય માનતા હતા. પરંતુ પડદા પાછળ નિર્દોષ લોકોના જીવની ખરીદ-વેચાણની રમત ચાલતી હતી. પોલીસને ગાયત્રીએ કબૂલ્યું કે તેણે છેલ્લા 7-8 વર્ષમાં 1500થી વધુ છોકરીઓ વેચી છે અને તેની ગેંગનું નેટવર્ક ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ફેલાયેલું છે.
સલમાની કરુણ કહાણી: નોકરીની લાલચે બની બંધક:
આ રેકેટનો શિકાર બનેલી સલમા (40) કોલકાતાના બસ સ્ટોપ અને રેલ્વે સ્ટેશનો પર ભીખ માંગીને જીવન ગુજારતી હતી. તે પોતાના બાળકોના ઉછેર માટે નોકરીની શોધમાં હતી. ગયા વર્ષે એપ્રિલ-મે મહિનામાં ગેંગના સભ્યોએ તેને 20,000 રૂપિયાની માસિક નોકરી અને મફત રહેવા-ખાવાની લાલચ આપીને જયપુર લાવી. પરંતુ અહીં પહોંચતાં જ તેને ફાર્મહાઉસમાં બંધક બનાવી દેવામાં આવી. વિરોધ કરતાં તેને માર મારવામાં આવ્યો અને એક રૂમમાં કેદ કરી દેવાયો.
ગાયત્રીએ સલમાને વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના રંગ અને ઉંમરને કારણે કોઈએ તેને ખરીદવાની ના પાડી. આથી તેને એક વર્ષ સુધી બંધક રાખવામાં આવી. જ્યારે પોલીસે તેને મુક્ત કરી ત્યારે તેનું વજન ઘટીને 35 કિલો થઈ ગયું હતું અને તે બરાબર બોલી પણ શકતી નહોતી. બસ્સી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અભિજીત પાટીલે જણાવ્યું કે, “સલમા વારંવાર કહેતી હતી કે ‘મને કોલકાતા છોડી દે, મારા બાળકો એકલા છે, મેં તેમને એક વર્ષથી જોયા નથી.’”
16 વર્ષની છોકરીની હિંમતથી ખુલ્યું રહસ્ય:
આ રેકેટનો પર્દાફાશ કાનપુરની 16 વર્ષની સગીર છોકરીની હિંમતથી થયો. તેના પિતા દારૂના વ્યસની હતા અને ઘરે ઝઘડા કરતા હતા. આ દરમિયાન ગેંગના સભ્યો સૌરભ અને સુમન તેના સંપર્કમાં આવ્યા અને તેને ખરીદીની લાલચે ફસાવી. તેને નશીલા પદાર્થો આપીને જયપુર લઈ જવામાં આવી, જ્યાં તેને 1.30 લાખમાં ગાયત્રીને વેચી દેવામાં આવી. ગાયત્રીએ તેનું નકલી આધાર કાર્ડ બનાવીને 2.5 લાખમાં બળજબરીથી લગ્ન કરાવી દીધા. પરંતુ થોડા દિવસોમાં જ તે પરિવારે તેને પાછી ગાયત્રી પાસે છોડી દીધી.
6 એપ્રિલે ફરીથી તેનો સોદો થવાનો હતો, પરંતુ આ વખતે સગીરે હિંમત બતાવી અને સલમાના સાથે વિરોધ કર્યો. તક મળતાં તે ફાર્મહાઉસમાંથી ભાગી નીકળી અને બલરામ ગામની ગૌશાળામાં પહોંચી, જ્યાંથી ગ્રામજનોએ પોલીસને જાણ કરી. આ પછી પોલીસે દરોડો પાડીને આખા રેકેટનો ભાંડો ફોડ્યો.
સામાજિક કાર્યકરના નામે ચાલતું રેકેટ:
ગાયત્રીએ આસપાસના વિસ્તારમાં પોતાને સામાજિક કાર્યકર તરીકે રજૂ કરીને લોકોમાં વિશ્વાસ જન્માવ્યો હતો. તેણે રાજકારણીઓના ફોટા સંપાદિત કરીને પોતાના પોસ્ટરો પર છાપ્યા હતા, જેથી તેની છબી મજબૂત થાય. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે તે અપહરણ કરેલી છોકરીઓને એક-બે દિવસથી વધુ રાખતી નહીં અને તુરંત વેચી દેતી, જેથી પકડાઈ ન જાય. હવે પોલીસ આ ગેંગના બાકીના સભ્યોની શોધખોળ કરી રહી છે અને આ રેકેટના નેટવર્કને તોડવા માટે તપાસ તેજ કરી છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
