News of Thursday, 10th April 2025
મહાકુંભમાં સ્નાન કરવા ના જઈ શક્યા તો એક વ્યક્તિએ કર્યો રેલવે વિભાગ પર કેસ : 50 લાખનું વળતર માગ્યું !!
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક વ્યક્તિએ રેલવે પર લાપરવાહીનો કેસ ઠોકી દીધો

પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા લાખો કરોડો શ્રદ્ધાળુઓ દરરોજ સંગમ નગરી પહોંચી રહ્યા હતા. જોકે આ દરમિયાન એવા કેટલાય રેલવે સ્ટેશન પણ હતા, જ્યાં ભીડના કારણે ટ્રેનના ડબ્બાના ગેટ બંધ કરવા પડ્યા હતા. આ બાબતને લઈને એક શખ્સે હવે રેલવે પર લાપરવાહીનો આરોપ લગાવી દીધો છે અને 25 લાખનું વળતર માગ્યું છે.
એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક વ્યક્તિએ રેલવે પર લાપરવાહીનો કેસ ઠોકી દીધો છે. મુઝફ્ફરપુરના ગાયઘાટ સુબાસ કેશોના રહેવાસી રાજન ઝાએ પોતાના સાસુ-સસરા સાથે 27 જાન્યુઆરીના રોજ મુઝફ્ફરપુરથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જવાનું હતું. તેમણે મહાકુંભમાં જવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. તે પોતાના સાસુ-સસરા સાથે ટ્રેન પકડવા માટે સ્ટેશને ગયા, પણ ટ્રેનમાં ચઢી શક્યા નહીં. કારણ કે ટ્રેનના ડબ્બાના દરવાજા બંધ હતા.
તેમણે તેની ફરિયાદ રેલવે પ્રશાસનને કરી, પણ ફરિયાદ બાદ પણ રેલ પ્રશાસને ટ્રેનનો દરવાજો ન ખોલ્યો. તેના કારણે આ લોકો મહાકુંભમાં જઈ શક્યા નહીં. ત્યારબાદ પીડિતે માનવાધિકાર વકીલ એસ.કે. ઝા દ્વારા મુઝફ્ફરપુરના ઉપભોક્તા આયોગમાં રેલવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને 50 લાખ રૂપિયાના વળતરનો દાવો કર્યો.
હવે આ મામલામાં મુઝફ્ફરપુરના ગ્રાહક સુરક્ષા વિભાગ તરફથી રેલવે સ્ટેશનના અધીક્ષક, સ્ટેશન માસ્ટર, ડીઆરએમ સોનપુર રેલ મંડળ, જીએમ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે, ભારતીય રેલના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીને નોટિસ જાહેર કરી છે. તો વળી વકીલે જણાવ્યું કે, હવે આ મામલામાં આગામી સુનાવણી 9 જુલાઈએ થશે. આયોગે આ સુનાવણીમાં તમામ પક્ષકારોને હાજર રહેવા આદેશ આપ્યા છે.
મુઝફ્ફરપુરથી પ્રયાગરાજ સુધી યાત્રીઓને સમયસર પહોંચાડવાની જવાબદારી રેલવે પ્રશાસનની હતી. પણ રેલવે આવું કરવામાં નિષ્ફળ રહ્યું. આ મહાકુંભ 144 વર્ષો બાદ આવ્યો હતો. રાજન ઝા અને તેમના સ્વજનોને મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન કરવાનું હતું. પણ રેલવેની લાપરવાહીના કારણે આ લોકો જઈ શક્યા નહીં.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
