<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી, તે હવે કેનેડિયન નાગરિક : તહવ્વુર રાણા કેસમાં પાકિસ્તાને હાથ ખંખેર્યા

શફકત અલી ખાને તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે કહ્યું, તહવ્વુર રાણાએ બે દાયકાથી પોતાના પાકિસ્તાની દસ્તાવેજો રિન્યૂ કરાવ્યા નથી. તેની કેનેડિયન નાગરિકતા સ્પષ્ટ છે.

નવી દિલ્હી : 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. ઘણા પ્રયાસો પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તેને અમેરિકાથી ભારત લાવવામાં સફળ રહી છે. તહવ્વુર રાણાને ખાસ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો છે. ગુરુવારે વિમાન પાલમ એરપોર્ટ પર ઉતર્યું. આતંકવાદી રાણાની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હવે તેમને કડક સુરક્ષા વચ્ચે NIA મુખ્યાલય લાવવામાં આવશે. આ દરમિયાન તહવ્વુર રાણા અંગે પાકિસ્તાનનું નિવેદન પણ સામે આવ્યું છે. પાકિસ્તાને રાણાથી સંપૂર્ણપણે દૂરી બનાવી લીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તહવ્વુર રાણાએ છેલ્લા 2 દાયકાથી પોતાના પાકિસ્તાની દસ્તાવેજો રિન્યુ કરાવ્યા નથી.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે કહ્યું, તહવ્વુર રાણાએ બે દાયકાથી પોતાના પાકિસ્તાની દસ્તાવેજો રિન્યૂ કરાવ્યા નથી. તેની કેનેડિયન નાગરિકતા સ્પષ્ટ છે.

પાકિસ્તાને કહ્યું કે, અમારે તે માણસ સાથે કોઈ લેવાદેવા નથી, તે હવે કેનેડિયન નાગરિક છે. તમને જણાવી દઈએ કે રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે, આ વાત બધા જાણે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાણા પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલો રહ્યો છે. નિષ્ણાતોના મતે, પાકિસ્તાનને ડર છે કે પૂછપરછ દરમિયાન રાણા મુંબઈ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનો ખુલાસો કરી શકે છે.

પાકિસ્તાન તેના નાગરિકોને બેવડી નાગરિકતા રાખવાની મંજૂરી આપે છે. પાકિસ્તાની નાગરિક પણ કેનેડિયન નાગરિકત્વ મેળવી શકે છે. પાકિસ્તાન તેના નાગરિકોને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ ફોર ઓવરસીઝ પાકિસ્તાનીઝ (NICOP) સાથે વિઝા મુક્ત દેશમાં મુસાફરી કરવાની પણ મંજૂરી આપે છે. નિષ્ણાતો માને છે કે આ તથ્યોને કારણે, પાકિસ્તાન રાણા સાથેના તેના જોડાણને સરળતાથી નકારી શકશે નહીં.

રાણા 2008ના મુંબઈ હુમલાના કાવતરાનો મુખ્ય આરોપી છે. આ હુમલાઓમાં 166 લોકો માર્યા ગયા હતા. રાણાને દિલ્હીની તિહાર જેલની ઉચ્ચ સુરક્ષા સેલમાં રાખવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો પણ હાથ હતો.

 

(8:12 PM IST)