<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

મોંઘી ભેટ ન આપવા બદલ ગર્લફ્રેન્ડે તોડ્યો સંબંધ : ગુસ્સામાં યુવકે કેશ ઓન ડિલિવરીથી 300 ઓર્ડર મોકલ્યા : અંતે ઈ-કોમર્સ કંપનીઓએ છોકરીને બ્લેકલિસ્ટ કરી

કોલકાતાની યુવતીને હેરાન કરવા ભૂતપૂર્વ બોયફ્રેન્ડની અનોખી ચાલ : ચાર મહિના સુધી ચાલેલા હેરાનગતિના કારણે પોલીસમાં ફરિયાદ નોંધાતાં આરોપીની ધરપકડ

કોલકાતા: પ્રેમમાં દગો મળ્યા બાદ એક યુવકે પોતાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને હેરાન કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો, જેના કારણે તેની ગર્લફ્રેન્ડનું જીવન નર્ક બની ગયું. નાદિયા જિલ્લામાં રહેતા આ યુવકનું કહેવું છે કે, તેની ગર્લફ્રેન્ડે મોંઘી ભેટો ન આપવાના કારણે સંબંધ તોડી નાખ્યો હતો. ગુસ્સામાં આવેલા યુવકે બદલો લેવા માટે ગર્લફ્રેન્ડના ઘરે કેશ ઓન ડિલિવરી (COD)ના 300 ઓર્ડર મોકલી દીધા. ચાર મહિના સુધી ચાલેલી આ હેરાનગતિ બાદ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓએ યુવતીને બ્લેકલિસ્ટ કરી દીધી. આખરે કંટાળીને યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના પગલે આરોપીની ધરપકડ કરવામાં આવી.

આ ઘટનાની શરૂઆત કોલકાતાની નેશનલ બેંકની લેક ટાઉન શાખામાં કામ કરતી યુવતી અને નાદિયા જિલ્લાના યુવક વચ્ચે ઘણા વર્ષોથી ચાલતા સંબંધથી થઈ. થોડા મહિના પહેલાં બંનેનું બ્રેકઅપ થયું હતું. યુવકનું કહેવું છે કે, ગર્લફ્રેન્ડ દરરોજ તેની પાસે મોંઘી ભેટોની માંગ કરતી હતી, અને જ્યારે તે આ માંગણીઓ પૂરી ન કરી શક્યો, ત્યારે તેણે સંબંધ તોડી નાખ્યો. આ ઘટનાથી નારાજ યુવકે ગયા નવેમ્બરથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી યુવતીના ઘરના સરનામે જથ્થાબંધ COD ઓર્ડર બુક કરવાનું શરૂ કર્યું. દરેક વખતે યુવતીએ આ પાર્સલ પરત કર્યા, પરંતુ યુવકે હાર ન માની અને આ ક્રમ ચાર મહિના સુધી ચાલુ રાખ્યો.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી સુમન સિકદરે લગભગ 300 ઓર્ડર બુક કરાવ્યા હતા, જેમાં મોબાઈલ ફોન, ટેબ્લેટ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થતો હતો. નવેમ્બરથી માર્ચ સુધી ચાલેલી આ હેરાનગ gતિ દરમિયાન, ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન સપ્તાહે યુવકે દરરોજ અલગ-અલગ ઉત્પાદનોના ઓર્ડર મોકલ્યા હતા. વારંવાર પાર્સલ પરત કરવાના કારણે ઈ-કોમર્સ કંપનીઓએ યુવતીને બ્લોક કરી દીધી, જેના પગલે તેણે પોલીસનો સંપર્ક કર્યો. યુવતીની ફરિયાદ બાદ કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી સુમન સિકદરની ધરપકડ કરી.

પૂછપરછ દરમિયાન સુમને કબૂલ્યું કે, તેણે બદલો લેવા માટે આ પગલું ભર્યું હતું. તેણે જણાવ્યું કે, ગર્લફ્રેન્ડને ઓનલાઈન શોપિંગનો ખૂબ શોખ હતો અને તેને મોંઘી વસ્તુઓ ખરીદવાની આદત હતી. તેણે નવા નંબરો પરથી મેસેજ મોકલીને અને COD ઓર્ડર બુક કરીને યુવતીને હેરાન કરી, જેથી તેને ખબર પડે કે મોંઘી ભેટોની માંગ કરવી કેટલી મોંઘી પડી શકે છે. યુવકનું કહેવું હતું કે, આ રીતે તેણે પોતાનો ગુસ્સો ઠંડો કર્યો અને યુવતીને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો.

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, આ હેરાનગતિથી તેનું જીવન અસહ્ય બની ગયું હતું. દરરોજ આવતા પાર્સલને પરત કરવા અને કંપનીઓ સાથે સંપર્ક કરવામાં તેનો સમય અને શાંતિ બંને બગડી રહ્યાં હતાં. બુધવારે આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને સોલ્ટ લેક કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને જામીન મળ્યા. આ ઘટનાએ ઓનલાઈન શોપિંગના દુરુપયોગ અને વ્યક્તિગત બદલાની ભાવનાને ઉજાગર કર્યું છે, જેના કારણે પોલીસે આવા કેસોમાં સખત કાર્યવાહીની ચેતવણી આપી છે.

(10:45 PM IST)