<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

વિશ્વ ઉપર ફરી એક મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે: "ડબલ્યુએચઓ"ના પ્રેસીડેન્ટની ચેતવણીથી ચિંતા વધી: કહ્યું કે આગામી મહામારીનો ખતરો એકદમ વાસ્તવિક છે. આપણે સહુએ અત્યારથી જ તૈયારી શરૂ કરવી જોઈએ

આવી ઘટનાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને માનવજીવનને ઊંડી અસર કરે છે: કોરોનામાં સત્તાવાર આંકડા અનુસાર સિત્તેર લાખ લોકોએ જીવ ગુમાવ્યા: પરંતુ વાસ્તવિક આંકડો બે કરોડથી વધુ: વૈશ્વિક અર્થતંત્રને દસ લાખ કરોડ રૂ.નું નુકસાન: ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસ

વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે વિશ્વને ફરી એક મોટી મહામારીના ખતરા અંગે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, આવી મહામારી કોઈપણ સમયે આવી શકે છે, એટલે કે આવતીકાલે પણ અથવા વીસ વર્ષ બાદ પણ. આ નિવેદનથી વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ટેડ્રોસે વિશ્વ આરોગ્ય સંગઠનની એક બેઠકમાં બોલતાં કહ્યું, “આગામી મહામારીનો ખતરો એકદમ વાસ્તવિક છે. આપણે બધાએ આ માટે હવે જ તૈયારી શરૂ કરવી જોઈએ.” તેમણે કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, આવી ઘટનાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને માનવજીવનને ઊંડી અસર કરે છે. કોરોનામાં સરકારી આંકડા અનુસાર સિત્તેર લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ વાસ્તવિક આંકડો બે કરોડથી વધુ હોઈ શકે છે. આ ઉપરાંત, વૈશ્વિક અર્થતંત્રને લગભગ દસ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આગળની તૈયારીની જરૂર: ટેડ્રોસે દેશોને એકબીજા સાથે મળીને આગામી મહામારીનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડવાની સલાહ આપી. તેમણે કહ્યું, “આપણે વિશ્વભરની સરકારો સાથે મળીને એક સર્વસમાવેશક કરાર કરવો જોઈએ, જેથી રોગચાળાનો સામનો વધુ સારી રીતે કરી શકાય.” તેમણે બેઠકમાં હાજર રહેલા દેશોના પ્રતિનિધિઓને અપીલ કરી કે, આ કરારને જલદી અંતિમ રૂપ આપવામાં આવે.

તેમણે ભૌગોલિક અને આર્થિક અસ્થિરતાનો ઉલ્લેખ કરતાં ચેતવણી આપી કે, આવી પરિસ્થિતિઓ મહામારીના જોખમને વધારે છે. આથી, વિશ્વએ હવે જ સંયુક્ત રીતે આગળ વધવું જરૂરી છે.

વિશ્વએ લીધો શ્વાસ, પણ ચેતવું જરૂરી: કોરોના મહામારી બાદ વિશ્વે ઘણું શીખ્યું છે, પરંતુ ટેડ્રોસનું કહેવું છે કે હજુ ઘણી ખામીઓ બાકી છે. તેમણે દેશોને આરોગ્ય સુવિધાઓ મજબૂત કરવા અને સંશોધન પર ધ્યાન આપવા પણ જણાવ્યું. આ ચેતવણીથી વિશ્વના દેશો હવે વધુ સજાગ થઈ રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી કોઈપણ આફતનો સામનો કરી શકાય.

(10:13 PM IST)