News of Saturday, 12th April 2025
એક્ટ્રેસ નુસરત ભરૂચાએ વડાપ્રધાન મોદીને કહ્યું, ‘સર, હું બરોડાથી છું'
દિલ્હીમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં બંને ભેગા થયા હતા. જેમાં નુસરત ભરૂચાએ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો

નવી દિલ્હી,તા.૧૨: બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા અને વડાપ્રધાન મોદી તાજેતરમાં દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ભેગા થઇ ગયા હતા. જ્યાં નુસરત ભરૂચા વડાપ્રધાન મોદીનો વારંવાર આભાર વ્યક્ત કરી રહી હતી. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ તેણીને પુછયું કે, શું તમે ગુજરાતી જાણો છો. જેથી હસતા મોંઢે નુસરત ભરૂચાએ કહ્યું કે, સર હુ બરોડાથી છું. ગુજરાતથી છું. અત્રે ઉલ્લેખનીય છે કે, નુસરત ભરૂચા મુંબઇમાં રહે છે, અને જાણીતી બોલીવુડ એક્ટ્રેસ છે. તેના બરોડા (વડોદરા), ગુજરાત કનેક્શન અંગે આ પહેલા કોઇ જાણતું ન્હતું.
બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા અને વડાપ્રધાન મોદી દિલ્હીમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં ભેગા થયા હતા. જેમાં નુસરત ભરૂચાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અને તે વારંવાર થેન્કયૂ સર કહી રહી હતી. આ દરમિયાન તેમના ટૂંકા સંવાદની ક્લિપ સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવી છે. જેમાં નુસરત ભરૂચા કહે છે તે, તમે મને પાછી લાવ્યા, તે માટે હું તમને થેન્કયૂ કહેવા માંગું છું. વડાપ્રધાન મોદી કહે છે કે, તમે સંકટમાં હતા. સારૂ થયું તમે તેની જાણ કરી દીધી. તમે ગુજરાતી બોલો છે..! નુસરત ભરૂચા કહે છે કે, સર હુ બરોડાથી છું. ગુજરાતથી છું. વડાપ્રધાન મોદી કહે છે, હું જાણું છું. બાદમાં નુસરત ભરૂચા કહે છે, થેન્કયૂ સર થેન્કયૂ સર, આ એક સુખદ સાંજ છે.
સહીસલામત રીતે રેસ્કયૂ કરીને પરત ભારત લાવવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, મે - ૨૦૨૪ માં ઇઝરાયલમાં ચાલતી પાર્ટી પર હમાસે હુમલો કરી દીધો હતો. તે સમયે નુસરત ભરૂચા તે પાર્ટીમાં હાજર હતી. કોઇક રીતે તેણીએ તે અંગેનો સંદેશ ભારત સરકાર સુધી પહોંચતો કરતા તેને સમયસર મદદ મળી રહી હતી. અને નુસરત ભરૂચાને થોડાક જ દિવસોમાં ત્યાંથી સહીસલામત રીતે રેસ્કયૂ કરીને પરત ભારત લાવવામાં આવી હતી. આ ઘટના બાદ તે ઘણા સદમામાં હોવાથી તેણીએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. પરંતુ દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી જોડે મુલાકાત થતા તે વારંવાર તેમનો આભાર વ્યક્ત કરી રહી હતી.(૪૦.૪)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
