News of Saturday, 12th April 2025
કુંભમેળામાં-પુષ્કરમેળામાં પણ બોમ્બબ્લાસ્ટ કરવાનો પ્લાન હતો નરાધમોનો
૨૬/૧૧ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દેશભરમાં ફેરવવામાં આવશે

નવી દિલ્હી,તા.૧૨: મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ૧૭ વર્ષે અમેરિકાથી ભારતમાં લાવ્યા બાદ ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગઈ કાલે દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યો હતો અને ૧૮ દિવસની રિમાન્ડ-કસ્ટડી મેળવી હતી. NIAએ કોર્ટમાં દાવો કર્યો હતો કે મુંબઈ પરના આતંકવાદી હુમલાની જેમ કુંભમેળો, પુષ્કરમેળો, દિલ્હીની નેશનલ ડિફેન્સ એકેડેમી, નૌસેના કમાન્ડ સહિતનાં ભારતનાં મહત્ત્વનાં સ્થળોએ મોટા પાયે બોમ્બધડાકા કરવાનો પ્લાન પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાએ કર્યો હતો અને એ માટે તહવ્વુર રાણાએ રેકી કરી હતી. તહવ્વુર રાણાની કસ્ટડી મેળવ્યા બાદ હવે તેને દેશભરમાં ફેરવવામાં આવી શકે છે.
NIAએ પાકિસ્તાની આતંકવાદી તહવ્વુર રાણાની કસ્ટડી મેળવવા માટે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે દાવો કર્યો હતો કે મુંબઈના ૨૬/૧૧ના હુમલાની જેમ દેશભરમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI, પાકિસ્તાની લશ્કર અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાએ વ્યાપક બોમ્બધડાકા કરવાનો પ્લાન બનાવ્યો હતો. તહવ્વુર રાણાએ શિકાગોમાં ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન નામની કંપની શરૂ કરી હતી જેની એક બ્રાન્ચ મુંબઈમાં ખોલી હતી. આ કંપની થકી જ તહવ્વુર રાણા અનેક વખત અમેરિકાથી મુંબઈ અને ભારતનાં જુદાં-જુદાં સ્થળોએ ગયો હતો. તેનું કામ રેકી કરીને માહિતી પાકિસ્તાનના આકાઓને આપવાનું હતું. તહવ્વુર રાણાએ નવેમ્બર ૨૦૦૮માં દિલ્હી, અમદાવાદ અને મુંબઈની મુલાકાત કરી હતી. જે-જે જગ્યાએ રેકી કરી હતી ત્યાં તેને લઈ જવાનો પ્લાન હોવાનું જાણવા મળ્યું હતું.
અમેરિકાથી પાકિસ્તાની આતંકવાદી તહવ્વુર રાણાને NIAની ટીમ એક પ્રાઇવેટ કંપનીના ચાર્ટર્ડ વિમાનમાં ભારત લાવી હતી. અમેરિકાના માયામીથી દિલ્હી સુધીનું અંતર ફ્લાઇટે ૪૦ કલાકમાં કાપ્યું હતું. સામાન્ય રીતે કમર્શિયલ અને ચાર્ટર્ડ ફ્લાઇટ પાકિસ્તાનની ઉપરથી ઉડાવવામાં આવે છે, પણ ફ્લાઇટમાં પાકિસ્તાની આતંકવાદી હતો એટલે રૂટ બદલવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનની ઉપરથી ફ્લાઇટ ઉડાવવામાં આવે તો હુમલો થવાની શકયતાને ધ્યાનમાં રાખીને રૂટ બદલવામાં આવ્યો હતો
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
