<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની યુવાનોને અપીલ : ડૉ. ભીમરાવ આંબેડકરના સમાનતા અને ન્યાયના વિઝનથી પ્રેરણા લઈ વિકસિત ભારત બનાવો

પટનામાં જય ભીમ યાત્રાનો શુભારંભ : ભારતીય બંધારણના 75 વર્ષની ઉજવણી અને આંબેડકર જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં 5000 સ્થળોએ કાર્યક્રમો

પટના: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ યુવાનોને ડૉ. ભીમરાવ આંબેડકરના સમાનતા, ન્યાય અને બંધુત્વના વિઝનથી પ્રેરણા લઈ વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે માય ભારતના યુવા સ્વયંસેવકોને સંબોધન કરતાં તેમણે આ વાત કહી. આ પ્રસંગે તેમણે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત જય ભીમ યાત્રાનો શુભારંભ કરાવ્યો. તેમણે યુવાનોને ભારતીય બંધારણની ભાવનાનું સન્માન કરવા અને તેનું પાલન કરવા પણ પ્રોત્સાહન આપ્યું.

ડૉ. મનસુખભાઈ માંડવિયાએ યુવાનોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાલ કિલ્લાની પ્રાચીર પરથી સૂચવેલા પંચ પ્રાણને અપનાવવા જણાવ્યું. તેમણે કહ્યું કે આ પંચ પ્રાણ વિકસિત ભારતનો માર્ગ દર્શાવે છે. એકતા સાથે આગળ વધતાં ભારતીય મૂળ પર ગર્વ અનુભવવો, ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના જાગૃત કરવી અને નાગરિકોમાં કર્તવ્યની ભાવના કેળવવી જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું. વડાપ્રધાનના વિઝન અનુસાર એક લાખ નવા યુવા નેતાઓ તૈયાર કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માય ભારત અભિયાન શરૂ કરાયું છે, જેમાં અત્યાર સુધી 1.75 કરોડ યુવાનો જોડાયા છે. આ અભિયાન યુવાનોને સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગિતા કાર્યક્રમો દ્વારા સશક્ત બનાવે છે.

આ પ્રસંગે ડૉ. મનસુખભાઈ માંડવિયાએ ગાંધી મેદાનથી પદયાત્રાને લીલી ઝંડી આપી. આ પદયાત્રા પટના શહેરના વિવિધ ભાગોમાંથી પસાર થઈને પટના હાઈકોર્ટ નજીક ડૉ. આંબેડકરની પ્રતિમા આગળ સમાપ્ત થઈ. આ દરમિયાન સ્વચ્છતા અભિયાન અને ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમના પ્રારંભે યુવા સ્વયંસેવકોએ ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું વાચન કર્યું. આ કાર્યક્રમમાં માય ભારતના સ્વયંસેવકો, યુવા સિદ્ધિ હાંસલ કરનારા, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને રાજકીય નેતાઓએ ભાગ લીધો.

જય ભીમ યાત્રાનું આયોજન ડૉ. આંબેડકરની જન્મજયંતિ અને ભારતીય બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. આજે દેશભરમાં 5000થી વધુ સ્થળોએ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે ડૉ. આંબેડકરના વિચારોને યુવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.

 

(3:14 PM IST)