<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

નેશનલ હેરાલ્ડ પર EDની કાર્યવાહીથી કપિલ સિબ્બલનો હંગામો : કેન્દ્ર સરકાર પર તાનાશાહી અને લોકતંત્રના હનનનો આરોપ

661 કરોડની સંપત્તિ કબજે કરવાના નોટિસને કોંગ્રેસને નબળી પાડવાનું ષડયંત્ર ગણાવ્યું : વિપક્ષને ખતમ કરવાનો BJPનો ઇરાદો હોવાનો દાવો

નવી દિલ્હી: રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સામે પ્રવર્તન નિદેશાલય (ED)ની કાર્યવાહી પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે. EDએ નેશનલ હેરાલ્ડની 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો કબજે કરવા માટે નોટિસ જારી કરી છે, જેના જવાબમાં સિબ્બલે સરકાર પર લોકતંત્રનું હનન કરવાનો અને કોંગ્રેસને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું, “આપણે બહારથી લોકતંત્રની જનની દેખાઈએ છીએ, પરંતુ અંદરથી તમે (BJP) તાનાશાહીના જનક છો. તેઓ હિન્દુ-મુસ્લિમ એજન્ડા પર રાજનીતિ કરવા માગે છે અને વિપક્ષને નષ્ટ કરવા ઇચ્છે છે.”

EDએ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે દિલ્હીમાં આઈટીઓ ખાતે આવેલા હેરાલ્ડ હાઉસ, મુંબઈના બાંદ્રામાં સ્થિત સંપત્તિઓ અને લખનૌમાં બિશેશ્વર નાથ રોડ પરની AJLની ઇમારતને ખાલી કરવાની નોટિસ જારી કરી છે. આ નોટિસને સિબ્બલે કોંગ્રેસની કામગીરીને ખોરવવાનો પ્રયાસ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે આ સંપત્તિઓમાં કોંગ્રેસના કાર્યાલયો આવેલા છે, અને આવી કાર્યવાહીનો ઉદ્દેશ પાર્ટીને આર્થિક રીતે નબળી પાડીને તેની રાજકીય પ્રવૃત્તિઓને અટકાવવાનો છે. સિબ્બલે આક્ષેપ કર્યો કે આ નોટિસ દ્વારા સરકાર નેશનલ હેરાલ્ડની સંપત્તિઓ હડપ કરવા માગે છે, જે લોકતંત્ર પર સીધો હુમલો છે.

સિબ્બલે સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવતાં કહ્યું, “13 વર્ષ સુધી તમે શું રાહ જોતા હતા? આનું કારણ એજ છે કે તમે સંપત્તિઓ કબજે કરવા માગો છો. કોંગ્રેસ પાસે આટલા નાણાં નથી કે તે રાજકીય પાર્ટી તરીકે કામ કરી શકે. આ ઘટના સરકારની સંકુચિત માનસિકતા દર્શાવે છે, જે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષને નષ્ટ કરવા માગે છે.” તેમણે આ પગલાંને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને ભાજપની નીતિઓ પર પ્રહાર કર્યા.

આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. કોંગ્રેસે આ કાર્યવાહીને રાજકીય વેરવિખેરનો ભાગ ગણાવ્યો છે, જ્યારે EDનું કહેવું છે કે તે મની લોન્ડરિંગની તપાસનો હિસ્સો છે. આ મુદ્દે વધુ ગરમાગરમી થવાની શક્યતા છે, કારણ કે કોંગ્રેસે આ નોટિસનો કાનૂની અને રાજકીય રીતે સામનો કરવાની તૈયારી બતાવી છે.

 

(3:26 PM IST)