<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

દેશમાં ગરમીનો પ્રકોપ વધશે: ૧૪ એપ્રિલ સૌથી ગરમ દિવસ બનવાની આગાહી, હીટવેવની ચેતવણી

ઉત્તર-પશ્ચિમના ગરમ પવનોને કારણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં તાપમાન ચરમસીમાએ પહોંચશે

રાજકોટ: આગામી અઠવાડિયાથી ભારતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે અને આવતીકાલે ૧૪ એપ્રિલ સમગ્ર દેશમાં સૌથી ગરમ દિવસ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમથી આવતા ગરમ અને સૂકા પવનને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે.

હવામાન નિષ્ણાત ડૉક્ટર અક્ષય દેવરસે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં હીટવેવ એટલે કે ગરમીનું મોજું અનુભવાઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૪ એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં ગરમી તેની ચરમસીમાએ પહોંચી શકે છે. આ ઉપરાંત, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ ગરમીનું પ્રમાણ ઊંચું રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે લોકોને આગામી દિવસોમાં અને ખાસ કરીને ૧૪ એપ્રિલના રોજ ગરમીથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે. બપોરના સમયે સીધા તડકામાં જવાનું ટાળવું, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને હળવા રંગના કપડાં પહેરવા જેવા ઉપાયો ગરમીથી રક્ષણ મેળવવા માટે જરૂરી છે. વૃદ્ધો અને બાળકોએ ખાસ કાળજી લેવી જોઈએ.

આગાહીને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટી તંત્રને પણ જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી નાગરિકોને ગરમીના પ્રકોપથી બચાવી શકાય.

 

(11:58 PM IST)