<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

લતા મંગેશકરનો પરિવાર લૂંટારાઓની ટોળકી છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાનો આરોપ

પુણેમાં એક ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ વિવાદના પગલે વિજય વાડેટ્ટીવારની ટિપ્પણી:દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવાનો કથિત રીતે ઇનકાર કર્યો હતો ?

 

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મંત્રી વિજય વાડેટ્ટીવારે ગુરુવારે આરોપ લગાવ્યો કે મંગેશકર પરિવાર "લૂંટારાઓની ટોળકી" હતી જેણે ક્યારેય સમાજનું કોઈ ભલું કર્યું નથી. તેમના આ નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળે છે. ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પક્ષોએ આ ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો છે

પુણેમાં એક ગર્ભવતી મહિલાના મૃત્યુ અંગે થયેલા વિવાદના પગલે વાડેટ્ટીવારની ટિપ્પણી આવી છે, જેને શહેરની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવાનો કથિત રીતે ઇનકાર કરવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વિધાન પરિષદના સભ્ય (MLC) અમિત ગોરખેના અંગત સચિવની પત્ની તનિષા ભીસેને 10 લાખ રૂપિયાની એડવાન્સ રકમ જમા ન કરાવવા બદલ દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ પછી, તનિષાને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં જોડિયા છોકરીઓને જન્મ આપ્યા બાદ તેનું મૃત્યુ થયું.

વડેટ્ટીવારે કહ્યું, 'મંગેશકર પરિવાર માનવતા પર એક કલંક છે. એ લૂંટારાઓની ટોળકી છે. શું તમે ક્યારેય તેમને સમાજના કલ્યાણ માટે દાન આપતા સાંભળ્યા છે? ફક્ત એટલા માટે કે તેઓ સારું ગાય છે, તેમની પ્રશંસા થાય છે. હોસ્પિટલ માટે જમીન દાનમાં આપનાર વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. નફા માટે ચેરિટેબલ હોસ્પિટલો શરૂ કરવી અને ગરીબોને લૂંટવાનું બંધ કરવું જોઈએ

  કોંગ્રેસના નેતાના આરોપો પર મંગેશકર પરિવાર તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. 

પુણેના એરંડવાને વિસ્તારમાં છ એકરમાં બનેલી 800 બેડની દીનાનાથ મંગેશકર હોસ્પિટલ માટે જમીન ખિલારે પાટિલ પરિવાર દ્વારા દાનમાં આપવામાં આવી હતી. ૨૦૦૧ માં સ્થપાયેલી આ હોસ્પિટલનું નામ મરાઠી ગાયક અને અભિનેતા દીનાનાથ મંગેશકરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે સુપ્રસિદ્ધ ગાયિકા અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા લતા મંગેશકરના પિતા છે.

તનિષાના મૃત્યુની તપાસ માટે એક સમિતિની રચના કરનાર મહારાષ્ટ્ર સરકારે હોસ્પિટલ પર એવા ધોરણોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે જે ચેરિટેબલ હોસ્પિટલોને કટોકટીના કેસોમાં એડવાન્સ પેમેન્ટ માંગવા પર પ્રતિબંધ મૂકે છે

(12:21 PM IST)