વડોદરાના મહારાજાનો ‘ગોલકોન્ડા બ્લુ' ડાયમંડની હરરાજી થશેઃ ૩૦૦-૪૦૦ કરોડમાં વેચાશે

નવી દિલ્હી, તા. ૧૫: આપણા રાજા મહારાજાઓ પાસે જવલ્લેજ જોવા મળતા હીરા પડયા છે. જેમાંનો બરોડા અને ઇન્દોરના મહારાજા પાસે પણ છે જેનું નામ છે ગોલકોન્ડા બ્લ્યુ. જેની લીલામી આગામી ૧૪ મેના રોજ જિનીવામાં ક્રિસ્ટીના ‘મેગ્નીફિશિયન્ટ જ્વેલ્સ' ખાતે થશે. ૨૩-૨૪ કેરેટનો આ બ્લ્યુ ડાયમંડ પેરિસના એક જ્વેલર JAR દ્વારા વીંટીમાં જડવામાં આવ્યો હતો જે આશરે ૩૫ મિલીયનથી ૫૦ મિલીયન ડોલરમાં વેચાશે, જેની ભારતીય રૂપિયામાં રૂ. ૩૦૦થી ૪૦૦ કરોડ જેટલી કિંમત થાય છે.
આ પ્રકારના દુર્લભ ડાયમંડ જીવનમાં અમુક વખતે જ માર્કેટમાં આવે છે. તેના રોયલ વારસા, અસાધારણ કલર અને અપવાદરૂપ કદ સાથે ગોલકોન્ડા બ્લ્યુ વિશ્વમાં દુર્લભ જોવા મળતો બ્લ્યુ ડાયમંડ છે એમ ક્રિસ્ટી ખાતેના આંતરરાષ્ટ્રીય જ્વેલરી વડા રાહુક કડકીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ.
પોતાના ૨૫૯ વર્ષના વારસા સાથે ક્રિસ્ટીએ અગાઉ અરાકડ્યૂક જોસેફ, પ્રિન્સી અને વિટ્ટેલ્સબેક જેવા અનેક પ્રખ્યાત ગોલકોન્ડ ડાયમંડઝની લીલામી કરી છે. આ ડાયમંડનું નામ હાલના તેલંગણામાં સ્થિત ગોલકોન્ડા ખાણ પરથી આપવામાં આવ્યુ છે. ક્રિસ્ટીના અનુસાર આ જ્વેલરી એક સમયે ઇન્દોરના મહારાજા અને ૧૯૨૦થી ૧૯૩૦ના શાસક યશવંત રાઉ હોલ્કર ૨ પાસે હતો. બાદમાં ૧૯૨૩માં મહારાજાના પિતાએ આ સ્ટોનને ફ્રેંચ જ્વેલર ચૌમેટ પાસે બ્રેસલેટમાં બેસાડયો હતો. વર્ષ ૧૯૩૦માં મહારાજાએ મોબોસ્સિનની રોયલ જ્વેલર તરીકે નિમણૂંક કરી હતી. જેણે અનેક નવી ડિઝાઇન બનાવી હતી અને ગોલકોન્ડા બ્લ્યુને તેમાં જડ્યો હતો. આ આઇકોનિક નેકલેસને ફ્રેંચ આર્ટિસ્ટ બર્નાર્ડ બૌટેટ ડિ મોન્વેલ દ્વારા ઇન્દોરની મહારાણીના ચિત્રમાં ભારતીય શાહીઠાઠ અને યુરોપિયન સ્ટાઇલના મિશ્રણ તરીકે વણી લેવા આવ્યો હતો.જોકે ભારત સ્વતંત્રતા થયા બાદ ૧૯૪૭માં બ્લ્યુ ડાયમંડ અમેરિકાના વિખ્યાત જ્વેલર હેરી વિન્સ્ટનને વેચવામાં આવ્યો હતો જેણે સફેદ ડાયમંડના મેચમાં એક બ્રુચમાં જડયો હતો. આ બ્રુચ આખરે બરોડાના મહારાજા પાસે પહોંચતા જ્વેલની શાહી યાત્રા સતત રહી હતી. ત્યારથી આ ડાયમંડની હવે આગામી ૧૪મેના રોજ લીલામી થશે ત્યારે સૌપ્રથમ વખત જાહેરમાં આવશે. તેની જીવંત લીલામી જિનીવામાં ફોર સિઝન્સ હોટેલ ડેસ બર્ગ્યુસ ખાતેથી કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
