<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

પરિવારના આશીર્વાદ હશે, તો હું પણ સંસદમાં હોઇશઃ રોબર્ટ વાડરા

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાએ ફરી સક્રીય રાજકારણમાં આવવાની ઈચ્‍છા દર્શાવી

નવી દિલ્‍હી તા.૧૫: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાના પતિ રોબર્ટ વાડરા પણ રાજનીતિમાં આવવા ઈચ્‍છે છે. રોબર્ટ વાડરાએ કહ્યું છે કે જો કોંગ્રેસ પાર્ટી ઈચ્‍છશે અને પરિવારનું સમર્થન મળશે તો હું પણ રાજનીતિમાં આવીશ. જો કોંગ્રેસ પાર્ટી તેમને રાજનીતિમાં આવવા માટે કહેશે તો હું માની જઇશ.

રોબર્ટ વાડરાનું માનવું છે કે સંસદમાં હજુ વધુ અવાજોની જરુરિયાત છે. લોકો હંમેશા પૂછે છે કે હું સંસદમાં કયારે જઈશ. જોઈએ છીએ, હું મહેનત કરીશ. જ્‍યારે કોંગ્રેસને જરુરિયાત હશે, અને મારા પરિવારના આશીર્વાદ હશે, તો હું પણ સંસદમાં હોઇશ. રોબર્ટ વાડરાએ પોતાના પરિવારના સભ્‍યોના રાજકીય પ્રભાવ અંગે એક ઈન્‍ટરવ્‍યુમાં વાતચીત કરી હતી. આ દરમિયાન રોબર્ટ વાડરાએ કહ્યું કે, તેમના પત્‍ની પ્રિયંકા ગાંધી વાડરા અને તેમના સાળા રાહુલ ગાંધી સંસદમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. મેં મારી પત્‍ની(પ્રિયંકા) અને રાહુલ ગાંધી તેમજ પરિવાર પાસેથી ખૂબ શીખ્‍યું છે.

આ સાથે રોબર્ટ વાડરાએ એમ પણ કહ્યું કે, કેટલીક રાજકીય પાર્ટીઓ ચૂંટણી સમયે કે અન્‍ય સ્‍થિતિઓમાં મારા નામનો ઉપયોગ કરે છે. પરંતુ રાજકારણ સાથે હું એટલા માટે જોડાયેલો છું કારણ કે હું ગાંધી પરિવારનો સભ્‍ય છું. પરંતુ કહેવા માંગું છું કે છેલ્લા કેટલાક વર્ષોમાં, કેટલાયે પક્ષોએ મારા નામનો ઉપયોગ કર્યો છે અને હંમેશા મને રાજકારણ તરફ ખેંચ્‍યો છે. દરેક વખતે જ્‍યારે ચૂંટણી હોય છે તો તેમને(ભાજપ) મારું નામ યાદ આવે છે. જ્‍યારે તેમની(ભાજપ) પાસે કોઈ મુદ્દો હોતો નથી, જેનાથી લોકોનું ધ્‍યાન ભટકાવી શકે, ત્‍યારે મારા નામનો ઉપયોગ કરે છે.(૩૮.૩)

(10:52 AM IST)