તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
ચોક્સીના પ્રત્યર્પણમાં મદદરૂપ બનશે ૧૨૫ વર્ષ જૂની સંધિ
૧૯૦૧માં બેલ્જીયમ સાથે અંગ્રેજોએ કરી હતી સંધિ

મુંબઈઃ બેલ્જીયમ સરકાર સામે ૧૯૦૧માં બ્રિટીશ સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલ સંધિ, જે તે સમયે બ્રિટીશ શાસન હેઠળના ભારતને લાગુ પડતી હતી, તે હીરાના વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની માંગ કરતી ભારતીય એજન્સીઓની મદદે આવી છે. મેહુલ ચોક્સીની બેલ્જીયમમાં ધરપકડ કરવામાં આવી હતી.
સંધિ શબ્દ ચોક્કસ બાબતોમાં સહાયતા માટે બે દેશો વચ્ચેના પરસ્પર કરારનો સંદર્ભ આપે છે. લગભગ ૧૨૫ વર્ષ પહેલા ૨૯ ઓક્ટોબર ૧૯૦૧ના રોજ, બ્રિટીશ સરકારે બેલ્જીયમ સરકાર સાથે ભાગેડુ ગુનેગારોના પરસ્પર પ્રત્યાર્પણ માટે સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે આ સંધિ પર બ્રિટીશ સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયા હતા પણ તેને ભારત માટે લાગુ કરાઈ હતી. કેન્દ્રીય એજન્સીઓના સૂત્રોએ દાવો કર્યો છે કે ભારતની બેલ્જીયમ સાથે સીધી સંધિ નથી. જો કે, સ્વતંત્રતા મળ્યા પછી, બન્ને સરકારો પરસ્પર કરાર ચાલુ રાખવા સંમત થઈ હતી. બેલ્જીયમ સરકારે સ્વીકાર્યુ છે કે ૧૯૦૧માં બ્રિટીશ સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલ સંધિઓ, જેમાં ૧૯૦૭ અને ૧૯૧૧માં સુધારો કરવામાં આવ્યો હતો, તે હજુ પણ લાગુ પડે છે.
એવું કહેવામાં આવે છે કે બેલ્જીયમ સરકારે ઓગસ્ટ ૧૯૪૫માં બ્રિટીશ અને બેલ્જીયમ સરકારો વચ્ચે હસ્તાક્ષર કરાયેલ સંધિની માન્યતાની પુષ્ટિ કરી હતી.
સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે ૨૦૨૦માં ભારત અને બેલ્જીયમે સંધિને રિન્યૂ કરવા માટે ફરીથી સાથે મળીને કામ કર્યુ હતુ. નવા દસ્તાવેજને માર્ચ ૨૦૨૧માં કેન્દ્રીય કેબીનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જો કે તે એક ડ્રાફટ જ રહ્યો હતો. અને તેને અંતિમ સ્વરૂપ નહોતુ અપાયું, જેના કારણે તપાસ એજન્સીઓ પાસે ૧૨૫ વર્ષ જૂની સંધિ પર આધાર રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
