<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ઝકરબર્ગ વેચી દેશે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ! અમેરિકી નિયમનકાર શા માટે કરી રહ્યું છે મજબૂર : માર્કને થશે અબજોનું નુકસાન

અમેરિકી કોર્ટમાં મેટા સામે એન્ટિ-ટ્રસ્ટનો કેસ શરૂ : જો માર્ક ઝકરબર્ગ આ કેસ હારી જાય તો તેમને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી પોતાની સૌથી મોટી કંપનીઓ વેચવાની ફરજ પડી શકે છે : અમેરિકી ફેડરલ ટ્રેડ કમિશનનો આરોપ છે કે મેટાએ સ્પર્ધાને ખતમ કરવા માટે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ખરીદ્યા હતા

નવી દિલ્હી: ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી દિગ્ગજ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના માલિક માર્ક ઝકરબર્ગની મુશ્કેલીઓ વધી રહી છે અને એવું લાગી રહ્યું છે કે તેમને ટૂંક સમયમાં પોતાની કંપનીઓ વેચવાની ફરજ પડી શકે છે. આ ત્રણેયની પેરન્ટ કંપની મેટા સામે વોશિંગ્ટનમાં એન્ટિ-ટ્રસ્ટનો એક મોટો કેસ શરૂ થયો છે. આ કેસ દ્વારા અમેરિકી ફેડરલ ટ્રેડ કમિશન (FTC) ઝકરબર્ગને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ વેચવા માટે મજબૂર કરવા માંગે છે. અમેરિકી નિયમનકારનું માનવું છે કે આ કેસ ૩૭ દિવસમાં ખતમ થઈ શકે છે અને ત્યારબાદ માર્કે પોતાની કંપનીઓને લઈને નિર્ણય લેવો પડશે.

અમેરિકી રેગ્યુલેટર દ્વારા મેટા સામે શરૂ કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી આક્રમક પગલું છે. FTCનો આરોપ છે કે મેટાએ વર્ષ ૨૦૧૨માં ઇન્સ્ટાગ્રામને ૧ અબજ ડોલરમાં અને વર્ષ ૨૦૧૪માં વોટ્સએપને ૨૨ અબજ ડોલરમાં ખરીદીને ઉભરતી સ્પર્ધાને ખતમ કરવાની અને વ્યક્તિગત સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રમાં પોતાની એકાધિકારને ગેરકાયદેસર રીતે જાળવી રાખવાની રણનીતિ અપનાવી હતી. મેટાએ પોતાના હરીફોને એટલા માટે ખરીદ્યા, જેથી તે પોતાની પ્રોડક્ટ સ્ટ્રેટેજીને સમજવા માટે પૂરતો સમય મેળવી શકે.

ઝકરબર્ગના ઈમેલથી થયો ખુલાસો:
આયોગે કેસમાં આંતરિક ઇમેલનો હવાલો આપ્યો છે, જેમાં સીઈઓ માર્ક ઝકરબર્ગનો એક ઇમેલ પણ સામેલ છે. તેમાં લખ્યું હતું કે ‘સ્પર્ધા કરવાથી સારું છે ખરીદી લેવું, જે નવીનતાને દબાવવાના ઇરાદાનો પાક્કો પુરાવો છે.’ કેસની સુનાવણી કરી રહેલા જજ જેમ્સ બોસ્બર્ગ પહેલાં એ નક્કી કરશે કે શું મેટા ખરેખર અમેરિકામાં વ્યક્તિગત સોશિયલ નેટવર્કિંગ સેવાઓ પર એકાધિકાર ધરાવે છે. FTCએ જણાવ્યું છે કે યુટ્યુબ અને ટિકટોક જેવા પ્લેટફોર્મને સોશિયલ નેટવર્કિંગ ન ગણી શકાય, કારણ કે તે ક્રિએટર્સના વિડિયો કન્ટેન્ટ પર ભાર મૂકે છે.

નબળી છે મેટાની સફાઈ:
FTCએ એવો પણ દાવો કર્યો છે કે વર્ષ ૨૦૧૨થી ૨૦૨૦ સુધી ફેસબુકે સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રમાં યુઝર્સના કુલ સમયનો ૮૦ ટકાથી વધુ હિસ્સો પોતાના કબજામાં રાખ્યો. જોકે, આ અંગે મેટાએ સફાઈ આપી છે. તેમનું કહેવું છે કે FTCનો બજારનો દૃષ્ટિકોણ ખૂબ જ મર્યાદિત છે. અમારી સામે ટિકટોક અને યુટ્યુબ જેવા મજબૂત હરીફો છે. FTC એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે કે ગ્રાહકો અથવા જાહેરાતકર્તાઓને કોઈ નુકસાન થયું છે.

ઝકરબર્ગ હારી ગયા તો શું થશે:
જો કોર્ટ મેટા વિરુદ્ધ ચુકાદો આપે છે તો મેટાને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને અલગ કરવા માટે મજબૂર કરવામાં આવી શકે છે. તેનાથી ટેક જગતમાં મોટી હલચલ મચી જશે. સાથે જ કોર્ટ એક ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે જે આ વિભાજનની દેખરેખ કરશે, જેમાં નવી સંસ્થાઓ સાથે ડેટા અને ટેક્નોલોજી શેર કરવી અને મેટાના સ્પર્ધાત્મક પ્રોડક્ટ ડેવલપમેન્ટને કામચલાઉ ધોરણે અટકાવવાનો સમાવેશ થઈ શકે છે.

ઝકરબર્ગને થશે મોટું નુકસાન:
જોકે સમગ્ર મામલો ખતમ થવામાં ઘણા વર્ષો લાગી શકે છે અને જો માર્ક ઇન્સ્ટાગ્રામ ગુમાવે છે તો તેમને મોટું નુકસાન ઉઠાવવું પડશે. ઇન્સ્ટાગ્રામ એકલું જ અમેરિકામાં જાહેરાતથી મેટાને થતી કુલ કમાણીનો ૫૦ ટકા હિસ્સો લાવે છે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રમાં એવી અટકળો પણ લગાવવામાં આવી રહી હતી કે વહીવટીતંત્ર આ અંગે સમાધાન કરી શકે છે. હાલમાં બંને પક્ષોની નજર એન્ટિ-ટ્રસ્ટ કેસ પર ટકેલી છે, જે મેટાનું ભવિષ્ય નક્કી કરશે.

 

(11:32 PM IST)