News of Wednesday, 16th April 2025
એક વર્ષમાં એક મિલિયન લોકોને ડિપોર્ટ કરી ટ્રમ્પ તોડવા માગે છે ઓબામાનો રેકોર્ડ
ઈલીગલ ઈમિગ્રન્ટસની પાછળ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આદુ ખાઈને પડી ગયું છે : ટ્રમ્પે ડિપોર્ટેશનમાં ઝડપ લાવવા ઘણા ધમપછાડા કર્યા છે, પણ હજુ તેઓ ધાર્યુ પરિણામ મેળવી શકયા નથી. જેના કારણે તેઓ ધૂંઆપૂંઆ થઈ ગયા છે

વોશીંગ્ટન તા.૧૬: ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના માસ ડિપોર્ટેશનના પ્લાનને સફળ બનાવવા રોજ નવા ફતવા બહાર પાડતા રહે છે. અમેરિકાની બીજી વખત સત્તા સંભાળી ત્યારથી તેમણે ઈલીગલ ઈમિગ્રન્ટ્સ પર સકંજો કસવા ઈમિગ્રેશન અને વિઝા પોલિસીમાં ઘણા ફેરફારો કર્યા છે. એટલું જ નહીં, ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડવા માટે સમગ્ર અમેરિકામાં ICEના એજન્ટોની ફોજ ઉતારી દીધી છે. ટ્રમ્પ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડીને ડિપોર્ટ કરવાથી પોતાનું માસ ડિપોર્ટેશન અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ હવે તો ગુનો નોંધાયેલો હોય કે ના હોય, લીગલી કે ઈલીગલી રહેતા હોય, બધા ઈમિગ્રન્ટ્સ પર વોચ રાખવામાં આવી રહી છે અને જરા સરખો પણ ફોલ્ટ દેખાય કે તરત તેમની સામે ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે છે. ટ્રમ્પ કોઈપણ ભોગે ડિપોર્ટેશનનો આંકડો વધારવા માગે છે. તેમણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, તેમનો ટાર્ગેટ અમેરિકાના ઈતિહાસના સૌથી મોટા ઓપરેશન અંતર્ગત એક વર્ષમાં ૧ મિલિયન ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનો છે. જાણકારોના કહેવા મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ ડિપોર્ટેશન મામલે બરાક ઓબામાનો રેકોર્ડ તોડવા માગે છે. ઓબાના સમયમાં ૪,૦૦,૦૦૦ લોકોને ડિપોર્ટ કરાયા હતા. જે અત્યાર સુધીનો ડિપોર્ટેશનનો સૌથી મોટો આંકડો છે.
ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં ઈમિગ્રેશનનો મુદ્દો ઘણો ઉછાળ્યો હતો અને તેમાં કાપ મૂકવાનું વચન આપીને તેઓ સત્તા પર આવ્યા છે. એટલે તેમના માટે ઈલીગલ ઈમિગ્રન્ટ્સના મામલે પાછીપાની કરવી મુશ્કેલ છે. ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડીને તેમને ડિટેન્શન સેન્ટર્સમાં રાખી મૂકવામાં અમેરિકાને ઘણો આર્થિક બોજ ઉઠાવવો પડે છે. તેમજ પકડાયેલા લોકોનો કેસ કોર્ટમાં લાંબો સમય ચાલતો હોવાથી તેમને ડિપોર્ટ પણ કરી શકાતા નથી. એટલે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એવા રસ્તા અપનાવી રહ્યું છે કે, જેથી ડિપોર્ટેશનની કાર્યવાહીમાં કોર્ટે કયાંય વચ્ચે આવે જ નહીં. તેણે ૧૮મી સદીના એલિયન એનિમીસ એક્ટને લાગુ કરીને વેનેઝુએલાથી ૨૦૦થી વધુ લોકોને એલ સાલ્વાડોર ડિપોર્ટ કરી દીધા હતા. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની આ કાર્યવાહીને કોર્ટમાં પડકારવામાં પણ આવી છે. પણ, ટ્રમ્પને તેનાથી કોઈ ફરક પડતો ન હોવાનું જણાઈ રહ્યું છે. ટ્રમ્પ એક નહીં તો બીજો રસ્તો અપનાવી ઈમિગ્રન્ટ્સને ક્લચમાં લઈ રહ્યા છે.
હવે તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લીગલી અમેરિકામાં રહેતા લોકોના સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવાનું શરૂ કરી દીધું છે. તેના માટે તે બાઈડન સમયના ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યું છે. પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનો કરનારા ઘણા સ્ટૂડન્ટ્સને ડિપોર્ટ કરી દેવાયા છે. ઈમિગ્રન્ટન્સની પોસ્ટ અને મેસેજિસની તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં કંઈપણ વાંધાજનક મળે તો સીધી ડિપોર્ટ કરવાની હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટ્રમ્પે એક એક્ઝિકયુટિવ ઓર્ડર પર સહી કરીને ઈમિગ્રન્ટ્સ માટે રજિસ્ટ્રેશન પણ ફરજિયાત બનાવી દીધું છે. જેના કારણે તેમને ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનો વધુ એક રસ્તો મળી ગયો છે. જો ઈમિગ્રન્ટ્સ પોતાનું રજિસ્ટ્રેશન નહીં કરાવે તો જ્યારે તે પકડાશે ત્યારે તરત જ અમેરિકાની બહાર કરી દેવાશે. કેમકે, તે વખતે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પાસે ઈમિગ્રન્ટે કાયદાનો ભંગ કર્યો હોવાનું બહાનું હશે. જો ઈમિગ્રન્ટ્સ રજિસ્ટ્રેશન કરાવશે તો તેના પર વોચ રાખવાનું શરૂ કરી દેવાશે અને ફોલ્ટમાં આવતા જ પકડીને ડિપોર્ટ કરી દેવાશે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઈમિગ્રેશન ઘટાડવા માટે વિઝા ઈશ્યૂ કરવાની પ્રક્રિયા પણ ધીમી કરી દીધી છે. હવે વિઝા એપ્લીકેશન્સની પહેલા કરતા વધુ સ્ક્રૂટિની કરવામાં આવી રહી છે. ણ્-૧ગ્ વિઝા, સ્ટડી વિઝા, સ્પાઉસ વિઝા, ટુરિસ્ટ વિઝા દરેક કેટેગરીમાં વધુ કડક નિયમો લાગુ કરી દેવાયા છે. ગ્રીન કાર્ડ આપવાની નીતિમાં પણ મોટા ફેરફારો કરાયા છે. જેના કારણે અમેરિકાનું પર્મેનન્ટ રેસિડન્ટ બનવું પણ હાલમાં અઘરું બની ગયું છે. પેલેસ્ટાઈનું સમર્થન કરનારાઓને શોધવા યુનિવર્સિટીમાં ભણતા સ્ટૂડન્ટ્સ અને ખાનગી ક્ષેત્રોમાં કામ કરતા લોકો પર વોચ રાખવામાં આવી રહી છે.(૩૮.૩)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
