<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

‘હું ડી કંપની તરફથી બોલી રહ્યો છું, મુંબઈને બોમ્‍બથી ફૂંકી મારીશ'

અંડરવર્લ્‍ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીના નામે મુંબઈ પોલીસને ફોન પર ધમકી આપવામાં આવી :પોલીસે ફોન કરનાર વ્‍યક્‍તિની ધરપકડ કરી લીધીઃ તેને નકલી એલાર્મ કોલ કરવાની આદત છે

મુંબઈ,તા.૧૬: મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો ફોન આવ્‍યો હતો, જેમાં કહેવામાં આવ્‍યું હતું કે આખા મુંબઈને બોમ્‍બથી ઉડાવી દેવામાં આવશે. ફોન કરનાર વ્‍યક્‍તિએ પોતાની ઓળખ અંડરવર્લ્‍ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીના વ્‍યક્‍તિ તરીકે આપી હતી. તમને જણાવી દઈએ કે ડી કંપનીનું નેતળત્‍વ અંડરવર્લ્‍ડ ડોન દાઉદ ઇબ્રાહિમ કરે છે. ધમકીભર્યો ફોન આવ્‍યા બાદ હોબાળો મચી ગયો હતો અને પોલીસે ફોન કરનાર વ્‍યક્‍તિની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે બપોરે ૨:૩૦ વાગ્‍યે એક વ્‍યક્‍તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં નકલી ફોન કરીને દાવો કર્યો હતો કે શહેરમાં બોમ્‍બ વિસ્‍ફોટ થવાનો છે અને પોતાને કુખ્‍યાત ડી કંપનીના સભ્‍ય તરીકે રજૂ કર્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચ અને બોરીવલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ સૂરજ જાધવ તરીકે થઈ છે, જે બોરીવલીનો રહેવાસી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું હતું કે જાધવે અગાઉ પણ આવા જ નકલી ધમકીભર્યા ફોન કર્યા હતા જેમાં તેણે મુંબઈમાં બોમ્‍બ વિસ્‍ફોટની ચેતવણી આપી હતી. તે સમયે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, જાધવ સામે IPCની કલમ ૩૨૩ અને ૩૨૪ હેઠળ ગુનાહિત રેકોર્ડ છે અને પોલીસે તેને અગાઉ વિસ્‍તારમાંથી હાંકી કાઢયો હતો. જાધવને નકલી એલાર્મ કોલ કરવાની આદત છે, જેમ કે વિવિધ સ્‍થળોએ લાઉડસ્‍પીકર વાગવાના કે ફટાકડા ફોડવાના સમાચાર આપવા. જોકે, પોલીસે જ્‍યારે પણ તપાસ કરી, ત્‍યારે આ દાવાઓ પાયાવિહોણા નીકળ્‍યા. મુંબઈ પોલીસ અધિકારીઓએ કંટ્રોલ રૂમમાં વધી રહેલા ખોટા કોલ અંગે ચિંતા વ્‍યક્‍ત કરી છે, જે ફક્‍ત પોલીસ સંસાધનોનો બગાડ જ નથી કરતા પરંતુ વાસ્‍તવિક કટોકટીઓ પરથી ધ્‍યાન પણ હટાવે છે.(૪૦.૧૧)

(10:17 AM IST)