<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ED ફૂલ એક્શનમાં! : મહાદેવ સટ્ટા એપ કેસમાં એકસાથે ૫૦થી વધુ સ્થળો પર દરોડા

કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા મહાદેવ સટ્ટા એપ કેસમાં દિલ્હી, રાજસ્થાન, પંજાબ, મુંબઈ, અમદાવાદ, ચેન્નાઈ અને ઓડિશા સહિત અનેક શહેરોમાં એકસાથે ૫૦થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું : ‘ઈઝ માય ટ્રીપ’ કંપનીના પ્રમોટર નિશાંત પિટ્ટી અને ફરાર આરોપી હરિશંકર તિબારવાલ સાથે જોડાયેલા સ્થળો પર પણ કાર્યવાહી

નવી દિલ્હી: મહાદેવ સટ્ટા એપ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની ટીમોએ દિલ્હી, રાજસ્થાનના જયપુર, પંજાબના ચંદીગઢ, મહારાષ્ટ્રના મુંબઈ, ગુજરાતના અમદાવાદ, તમિલનાડુના ચેન્નાઈ અને ઓડિશાના સંબલપુર સહિત અનેક શહેરોમાં એકસાથે ૫૦થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે.

એજન્સીના મુખ્ય સૂત્રોએ જણાવ્યું કે આ સર્ચ ઓપરેશનમાં ‘ઈઝ માય ટ્રીપ’ નામની કંપનીના પ્રમોટર નિશાંત પિટ્ટીને પણ આવરી લેવામાં આવ્યા છે અને તેમની સામે પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, આ કેસનો એક મુખ્ય આરોપી હરિશંકર તિબારવાલ દેશ છોડીને ફરાર થઈ ગયો છે, અને EDની ટીમો તેના સાથે જોડાયેલા સ્થળો પર પણ તપાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલાં જ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ મહાદેવ સટ્ટા એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિત અનેક આરોપીઓ સામે FIR નોંધી હતી. CBI દ્વારા પણ ૬૦થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ગયા વર્ષે મહાદેવ સટ્ટા એપનો મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકાર દુબઈમાં ઇન્ટરપોલ દ્વારા પકડાયો હતો. સૌરભ ચંદ્રાકારની ધરપકડ ઇન્ટરપોલના નિર્દેશો બાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતીય તપાસ એજન્સી CBI અને EDને સત્તાવાર રીતે ઇન્ટરપોલ દ્વારા જાણ કરવામાં આવી હતી. EDની આ તાજેતરની કાર્યવાહી આ કેસમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસનો ભાગ માનવામાં આવી રહી છે.

 

(1:44 PM IST)