<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

હવે ડેન્‍ગ્‍યુની ખેર નથીઃ ભારતે તૈયાર કરી દેશી વેક્‍સિન

ટ્રાયલ્‍સમાં અત્‍યંત અસરકારક સાબિત થઈઃ ડેન્‍ગ્‍યુ માટેની સ્‍વદેશી રસી આવતા વર્ષે બજારમાં આવી શકે છે

નવી દિલ્‍હી, તા.૧૬: દર વર્ષે દેશમાં મચ્‍છરોના કારણે થતી બીમારીમાં અનેક લોકોના મોત થતા હોય છે. એમાં પણ ખાસ કરીને ડેન્‍ગ્‍યુના કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. ડેન્‍ગ્‍યુ માટે હજુ સુધી એક પણ દવા શોધી શકાય નથી. જો કે આવતા વર્ષે સુધીમાં ભારતમાં ડેન્‍ગ્‍યુ માટે દેશી વેક્‍સિન આવી શકે છે. આ વેક્‍સિનનો ત્રીજો તબક્કાનો ક્‍લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યો છે અને અત્‍યાર સુધીના ટ્રાયલમાં સારા પરિણામો મળ્‍યા છે. ઇન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચના પૂર્વ ડિરેક્‍ટર બલરામ ભાર્ગવે આ માહિતી આપી છે. ગયા મંગળવારે કોલકાતાના સાયન્‍સ સિટીમાં વેક્‍સિન પર આયોજિત એક કાર્યક્રમમાં ભાર્ગવે ડેન્‍ગી વેક્‍સિન અંગે મોટું અપડેટ આપ્‍યું. આથી આશા છે કે ટૂંક સમયમાં લોકો ડેન્‍ગ્‍યુથી બચાવતી વેક્‍સિન મેળવી શકશે. આ વેક્‍સિન ICMR અને પેનાસિયા બાયોટેક મળીને તૈયાર કરી રહ્યા છે.

ભારત પોતાની પહેલી સ્‍વદેશી ટેટ્રાવેલેન્‍ટ ડેન્‍ગ્‍યુ વેક્‍સિન ડેન્‍ગી ઓલ વિકસાવી રહ્યું છે. પેનાસિયા બાયોટેક અને ICMRના સહયોગથી આ વેક્‍સિન હાલમાં ત્રીજા તબક્કાના ક્‍લિનિકલ ટ્રાયલમાં છે. આ વેક્‍સિન તબક્કો ૧ અને તબક્કો ૨ના ટ્રાયલમાં ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. આ વેક્‍સિનનો ટ્રાયલ દેશભરના ૧૮ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના ૧૯ કેન્‍દ્રોમાં કરવામાં આવી રહ્યો છે. તેમાં ૧૦,૩૩૫થી વધુ સ્‍વસ્‍થ લોકોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. શકયતા છે કે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં સારા પરિણામો મળ્‍યા બાદ આ વેક્‍સિન ૨૦૨૬ના મધ્‍ય સુધી બજારમાં આવી શકે છે. જોકે ICMR તરફથી હજી સુધી આ વેક્‍સિનની ઉપલબ્‍ધતા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

હેલ્‍થ એક્‍સપર્ટ્‍સનું માનવું છે કે જો ભારતમાં આવતા વર્ષે સુધી આ વેક્‍સિન આવી જાય, તો ડેન્‍ગ્‍યુ પર કાબુ મેળવવામાં ઘણી મદદ મળી શકે છે. ડેન્‍ગ્‍યુ એક વાયરસ ઇન્‍ફેક્‍શન છે, જે સંક્રમિત મચ્‍છરોના કરડવાથી માણસોમાં ફેલાય છે. આના કારણે લોકોને તીવ્ર તાવ આવે છે અને પ્‍લેટલેટ કાઉન્‍ટ ઘટી જાય છે. ડેન્‍ગ્‍યુનો યોગ્‍ય સમયે ઈલાજ ન કરવામાં આવે, તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ચોમાસામાં અને વરસાદના કારણે ડેન્‍ગ્‍યુ તેના પીક પર હોય છે અને આ સમયે જ તેનો કહેર સૌથી વધુ જોવા મળે છે. પશ્‍ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્‍થાન, બિહાર, દિલ્‍હી, ગુજરાત, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્‍યોમાં દર વર્ષે ડેન્‍ગ્‍યુથી મોટી સંખ્‍યામાં મોત થાય છે. આ વેક્‍સિનના આવવાથી લોકોને ડેન્‍ગ્‍યુથી બચાવ કરવામાં મદદ મળશે. (રર.૨૦)

(2:40 PM IST)