<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

પાંચ ચક્રવાતી પરિભ્રમણને પગલે પૂર્વીય રાજ્યોમાં વરસાદ અને ગાજવીજ સાથે તોફાનની આગાહી : ૧૮ એપ્રિલે પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં હીટ વેવની શક્યતા : કેન્દ્રીય હવામાન વિભાગનું એલર્ટ

હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી : ખાસ કરીને પૂર્વીય રાજ્યોમાં આગામી ૨૪ થી ૪૮ કલાકમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના : દિલ્હીમાં હજુ ગરમીથી રાહત નહીં : પણ વાદળછાયું વાતાવરણ અને તેજ પવનની શક્યતા

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગાજવીજ અને વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે જણાવ્યું છે કે દેશમાં પાંચ ચક્રવાતી પરિભ્રમણ બની રહ્યા છે. તેમની અસરને કારણે દેશના ઘણા ભાગોમાં હવામાન બદલાઈ શકે છે. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું છે કે ખાસ કરીને પૂર્વીય રાજ્યોમાં આગામી ૨૪ થી ૪૮ કલાકમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.

જો કે, હવામાન વિભાગે દિલ્હીમાં હજુ ગરમીથી કોઈ રાહતની આગાહી કરી નથી. તેમ છતાં, IMDએ દિલ્હી-NCRમાં હીટ વેવનું એલર્ટ પાછું ખેંચી લીધું છે. વિભાગે જણાવ્યું છે કે સાંજ સુધીમાં દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ અને તેજ પવનની શક્યતા છે.

IMDએ આગામી પાંચ દિવસ માટે પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું છે કે દેશમાં પાંચ ચક્રવાતી પરિભ્રમણ બની રહ્યા છે:
૧. પશ્ચિમ રાજસ્થાન
૨. દક્ષિણ મધ્ય પ્રદેશના મધ્ય ભાગો
૩. મન્નારનો અખાત
૪. બંગાળની ખાડી અને તમિલનાડુ
૫. આસામનો પશ્ચિમી ભાગ

વિભાગે જણાવ્યું છે કે આજે મધ્ય ભારત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

પૂર્વીય ભાગોમાં વરસાદ:
IMDના અનુમાન મુજબ આજે અને આગામી દિવસોમાં બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઝારખંડમાં વરસાદની શક્યતા છે. તે જ સમયે, આજે અને આવતીકાલે એટલે કે ૧૬ અને ૧૭ એપ્રિલે મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ૧૭ અને ૧૮ એપ્રિલે બિહારમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે, જ્યારે ઝારખંડ અને ઓડિશામાં ૧૬ થી ૧૮ એપ્રિલ દરમિયાન અને આગામી દિવસોમાં છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદની શક્યતા છે.

કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:
હવામાન વિભાગે પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું એલર્ટ જાહેર કર્યું છે. તેની અસર આગામી દિવસોમાં, ખાસ કરીને ઉત્તર-પશ્ચિમના રાજ્યોમાં જોવા મળશે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તીવ્ર હીટ વેવથી રાહત મળવાની શક્યતા છે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ૧૮ અને ૧૯ એપ્રિલની વચ્ચે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ થઈ શકે છે.

હીટ વેવ એલર્ટ:
IMDએ ઘણા રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. ૧૮ એપ્રિલે પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં હીટ વેવની શક્યતા છે. IMSએ મરાઠવાડા, ગુજરાત, તમિલનાડુ, ગોવા, પુડુચેરી અને મધ્ય મહારાષ્ટ્રમાં ભેજવાળી ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે.

 

(3:01 PM IST)