<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ગુજરાતમાં લડાઇ લડશુ અને જીતશું! રાહુલ ગાંધી

સંગઠનની ભલામણના આધારે ઉમેદવારની પસંદગી થશેઃ પાયલોટ પ્રોજેકટની ગુજરાતથી શરૂઆત મોડાસામાં કાર્યકરોને સંબોધનઃ સંગઠનમાં જોમ-જુસ્‍સો ભરવા કવાયત

અમદાવાદ તા.૧૬: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રવાસના બીજા દિવસે તેઓ મોડાસા પહોંચ્‍યા હતા. મોડાસામાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. જ્‍યાં તેમણે જણાવ્‍યું હતું કે, ત્રણ પ્રકારના ઘોડા હોય છે. રેસના ઘોડા, વરઘોડાના ઘોડા અને લંગડા ઘોડા. આપણે પક્ષના ત્રણેય ઘોડાને અલગ તારવીશું.

રેસના ઘોડાને દોડાવીશું અને વરઘોડાના ઘોડાને આ વખતે નચાવીશું. જિલ્લાને જિલ્લામાંથી ચલાવવું જોઇએ અમદાવાદથી નહીં. જિલ્લાના પ્રમુખો છે તેમને જવાબદારી આપવી જોઇએ અને તેના હાથ મજબૂત કરવા જોઇએ. આપણે આ કામ શરૂ કરી રહ્યાં છીએ. જિલ્લા પ્રમુખનું નામ નક્કી કરવામાં આવશે. જિલ્લા પ્રમુખના નિર્ણયથી જિલ્લામાં કામગીરી કરવામાં આવશે.

તેમણે જણાવ્‍યું હતું કે, હવે સંગઠન દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. સંગઠન જેને નક્કી કરશે તેને ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવશે. હવેથી ઉપરથી ઉમેદવાર નક્કી કરવામાં નહીં આવે. આ અમારો પાયલોટ પ્રોજેક્‍ટ છે અને તેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી રહી છે.  તેમણે જણાવ્‍યું હતું કે, કોઇ વરિષ્ઠ નેતા આવે ત્‍યારે જાદૂથી દરેક જિલ્લામાં હાજર થઇ જાય છે અને સિનિયર નેતા જતા રહે ત્‍યારે ગાયબ થઇ જાય છે. સિનિયર નેતા બનીને ફરી રહ્યાં છે પણ બૂથ નથી જીતાડી શકતા. અમે એ લોકોને શક્‍તિ આપવા માગીએ છીએ જે બૂથ જીતી શકે. લોકોની સમસ્‍યા માટે લડી શકે તેમને પાવર આપીશું. તમારી સાથે ચર્ચા થશે. તમારા પ્રતિભાવ બાદ નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધી દ્વારા મોડાસા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ અધ્‍યક્ષ શક્‍તિસિંહ ગોહિલ, મધુસુદન મિષાી સહિત સ્‍થાનિક નેતાઓ ઉપસ્‍થિત રહેલ. આ બેઠક બાદ રાહુલ ગાંધી મોડાસા સ્‍વામીનારાયણ મંદિર ખાતે પહોંચીે. જ્‍યાં ૧૨૦૦ જેટલા બુથ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.

મોડાસા ખાતેની આજની બેઠક અંગે ખેડબ્રહ્માના ધારાસભ્‍ય તુષાર ચૌધરીએ જણાવ્‍યું હતું કે, મોડાસા ખાતેથી કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થશે. જિલ્લા સંગઠનની જવાબદારી કોને સોંપવી તે અંગે મંથન કરવામાં આવશે. ગતરોજ ૪૩ નિરીક્ષકોની બેઠક યોજાઇ હતી એક કેન્‍દ્ર નિરીક્ષક અને ૪ પ્રદેશ નિરીક્ષક દ્વારા જિલ્લાનો પ્રવાસ કરવામાં આવશે. ૪૫ દિવસમાં જિલ્લા પ્રમુખોની નિયુક્‍તિ કરવામાં આવશે. આજે રાહુલ ગાંધી મોડાસા સ્‍થિત સ્‍વામિનારાયણ મંદિર ખાતે અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. ત્‍યારે બાદ કાર્યકર્તાઓના સંમેલનમાં ઉપસ્‍થિત રહેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતમાં મિશન ૨૦૨૭ સંદર્ભે મહત્‍વની ચર્ચા કરી શકે છે.

ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નિરીક્ષકો સાથે બે કલાકની બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ સ્‍પષ્ટ સંખ્‍યા આપ્‍યા હતા કે જે કાર્યકર્તાઓ નિષ્‍ક્રિય છે અથવા તો ભાજપ સાથે કામ કરે છે તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. આ બેઠક દરમિયાન પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી જેમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્‍યો હતો કે લગ્નના ખૂણા અને રેસના ઘોડા કેવી રીતે અલગ તારવીશું જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આઠ મે સુધીમાં પેનલ બનાવો તેના પછી નિર્ણય લેવાશે અને તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે.(૨.૨૫)

(3:19 PM IST)