<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

બિહારના મુઝફ્ફરપુરમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા 5નાં મોત:મૃતકોમાં 4 બાળક : 15 બાળક હજુ પણ ગુમ : ડઝનબંધ ઘરો બળીને ખાખ થઈ ગયાં

ગામના ગોલક પાસવાનના ઘરમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી ગઈ. લોકો કંઈ સમજી શકે ત્યાં સુધીમાં તો ભારે પવનને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ : બાળકો ડરી ગયાં. બહાર નીકળી શક્યાં નહીં અને આગમાં ફસાઈ ગયાં

નવી દિલ્હી તા.૧૬ :બુધવારે બિહારના મુઝફ્ફરપુરમાં દલિત વસાહતમાં 50થી વધુ ઘરમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં ચાર  બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુર મણિ પંચાયતમાં બની હતી.

ગામના ગોલક પાસવાનના ઘરમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી ગઈ. લોકો કંઈ સમજી શકે ત્યાં સુધીમાં તો ભારે પવનને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ. આગ ખૂબ જ તીવ્ર હતી, જેના કારણે બાળકો ડરી ગયાં. બહાર નીકળી શક્યાં નહીં અને આગમાં ફસાઈ ગયાં હતા.

 

ડીએમએ વધુમાં જણાવ્યું હતું કે 'આગમાં 4 બાળક અને એક વ્યક્તિનાં મોત થયાં છે. એસડીએમને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. મૃતકોના પરિવારને વળતર આપવામાં આવશે અને લોકો માટે 2 દિવસ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રાજુ પાસવાન નામની વ્યક્તિનાં ત્રણ બાળક બળીને ખાક થઈ ગયાં હતાં. આ બાળકોની ઉંમર 12 વર્ષ, આઠ વર્ષ અને નવ વર્ષ છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ડઝનબંધ ઘરો બળીને રાખ થઈ ગયાં. પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SKMCH મોકલી રહી છે.

ગ્રામજન રાકેશે જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઘટનાસ્થળે પહોંચી શક્યું નહોતું. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગ લગભગ કાબૂમાં આવી ગઈ હતી. આગમાં ચાર બાળક એકસાથે મૃત્યુ પામ્યાં. જોકે 15 બાળક હજુ પણ ગુમ છે. આ બાળકોની શોધખોળ ચાલી રહી છે.

(3:41 PM IST)