<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

રાજકોટ સીટી બસના અકસ્માતે આખો પરિવાર વિખેરી નાખ્યો ભોગ બનનાર ચિન્મય ભટ્ટના ભારે હૈયે અંતિમ સંસ્કાર કરાયા : જુઓ વિડીયો

થોડા વર્ષો પહેલાં ચિન્મયના માતાનું અવસાન બાદ ગત મહિને પિતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું :પરિવારમાં ચિન્મય અને તેની એક બહેન એકલા જ હતા:ચિન્મયના અકાળે મોતથી તેમની બહેન સંપૂર્ણપણે નોંધારી બની.

રાજકોટ: શહેરના ઇન્દિરા સર્કલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેકાબૂ સીટી બસે ચાર લોકોને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં ચારેય લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ગતરોજ એક ગમખ્વાર અકસ્માતમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની સિટી બસે ચાર નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂ કરી દીધી છે.

મૃતકોમાં ચિન્મય ભટ્ટ નામના 25 વર્ષીય યુવકનો પણ સમાવેશ થાય છે. ચિન્મયના મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. થોડા વર્ષો પહેલાં જ તેમની માતાનું અવસાન થયું હતું, અને ગત મહિને તેમના પિતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પરિવારમાં ચિન્મય અને તેમની એક બહેન એકલા જ હતા. આજે ચિન્મયના અકાળે મોતથી તેમની બહેન સંપૂર્ણપણે નોંધારી બની ગઈ છે.

ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ મહાનગરપાલિકા ખાતે તેમના પિતાના મૃત્યુના જરૂરી કાગળો માટે જઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક આવેલી સીટી બસે તેમને હડફેટે લીધા હતા. આ અકસ્માતે માત્ર એક યુવાનનો જીવ જ નથી લીધો, પરંતુ એક આખો પરિવાર વિખેરી નાખ્યો છે.

આજે સાંજે જ્યારે ચિન્મયની અંતિમયાત્રા નીકળી ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમની નોંધારી બહેન અને સગા-સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ભારે બની ગયું હતું. આ ઘટનાએ સમગ્ર રાજકોટ શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

(11:16 PM IST)