<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

અખિલેશ યાદવના જીવને ખતરો : સતત મળે છે ધમકીઓ : NSG સુરક્ષા ફરીથી શરૂ કરવાની માંગ: સપાએ લખ્યો પત્ર

અગાઉ અખિલેશ યાદવને ઝેડ પ્લસની સાથે NSG સુરક્ષા મળી હતી. ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા બાદ NSG સુરક્ષા પાછી ખેંચી લેવાઈ હતી.

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીએ પોતાના પ્રમુખ અખિલેશ યાદવ માટે NSG સુરક્ષા ફરીથી શરૂ કરવાની માંગ કરી છે. આ અંગે સપા દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ  શાહને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે અખિલેશ યાદવના જીવને ખતરો છે અને તેમને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. અખિલેશ પર હુમલાની ચેતવણી આપતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અખિલેશ યાદવને હાલમાં Z પ્લસ સુરક્ષા મળી રહી છે. જોકે, અગાઉ પણ અખિલેશ યાદવને ઝેડ પ્લસની સાથે NSG સુરક્ષા પણ મળી હતી. ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા બાદ NSG સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફખરુલે ગૃહમંત્રી અમિતભાઈ  શાહને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવને અગાઉ NSG કવરની સાથે Z પ્લસ સુરક્ષા મળી રહી હતી. બાદમાં NSG કવર દૂર કરવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટી દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી છે અને અખિલેશ યાદવને દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમોમાં હાજરી આપવી પડે છે.

પત્રમાં કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વિના આગળ લખવામાં આવ્યું છે કે જે રીતે એક વ્યક્તિએ ન્યૂઝ ચેનલો પર કેમેરા સામે અખિલેશ યાદવને ખુલ્લેઆમ મારી નાખવાની ધમકી આપી છે. એક બીજેપીના નેતાએ પણ અખિલેશ યાદવને મારી નાખવાની ધમકી આપી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુપી સરકાર દ્વારા આ વ્યક્તિઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં પાર્ટીમાં અખિલેશ યાદવની સુરક્ષાને લઈને ચિંતા છે.

સમાજવાદી પાર્ટીનો આ પત્ર એવા સમયે લખવામાં આવ્યો છે જ્યારે કરણી સેના અને ઘણા ક્ષત્રિય સંગઠનો રાણા સાંગા પર સપા સાંસદ રામજી લાલ સુમનના નિવેદનથી ગુસ્સે છે. તાજેતરમાં, રામજી લાલ સુમનના ગૃહ જિલ્લા આગ્રામાં રાણા સાંગાની જન્મજયંતિ પર કરણી સેના દ્વારા એક મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, ક્ષત્રિય સમુદાયના લોકો મોટી સંખ્યામાં તલવારો, લાકડીઓ અને બંદૂકો સાથે એકઠા થયા હતા. આ સમય દરમિયાન ઘણા લોકોએ સુમન તેમજ અખિલેશ યાદવ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

 

(8:01 PM IST)