News of Wednesday, 16th April 2025
સોનાની કિંમતે નવો રેકોર્ડ બનાવ્યો : એક જ દિવસમાં 1650 રૂપિયાનો વધારો : 10 ગ્રામનો ભાવ રૂ. 98000 ને પાર
દિલ્હીમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 98000 રૂપિયાને પાર પહોંચ્યો : અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડ વોરની અસર : ચાંદીની કિંમતમાં પણ તેજી : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 3318 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાની કિંમતમાં એક જ દિવસમાં 1650 રૂપિયાનો જંગી વધારો થયો છે અને તે 98,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા ટ્રેડ વોરની અસરને કારણે સોનાના ભાવમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. ઓલ ઈન્ડિયા સર્રાફા એસોસિએશન અનુસાર, મંગળવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 96,450 રૂપિયા પર બંધ થયો હતો. આ દરમિયાન, 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું પણ પાછલા દિવસના 96,000 રૂપિયાથી વધીને 97,650 રૂપિયાના નવા શિખરે પહોંચી ગયું છે.
આ દરમિયાન ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે, જે મંગળવારે 97,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ સામે 1,900 રૂપિયા વધીને 99,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનું 3,318 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. એશિયાઈ બજારોમાં પણ ટ્રેડિંગ સેશન દરમિયાન હાજર ચાંદી લગભગ 2 ટકાના વધારા સાથે 32.86 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ હતી. ન્યૂયોર્કમાં સોનાનો વાયદો 3,289.07 ડોલર પ્રતિ ઔંસના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.
ઘરેલુ બજારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જૂન ડિલિવરી માટે સોનાનો વાયદો ભાવ તેજી સાથે 94,781 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો અને બંધ ભાવ 94,768 રૂપિયા રહ્યો હતો. તેમાં 21,211 લોટના ઓપન ઇન્ટરેસ્ટ સાથે 1,317 રૂપિયાનો વધારો નોંધાયો હતો. આ વધારાનું કારણ અમેરિકા દ્વારા ચીની ચીજવસ્તુઓની આયાત પર ટેરિફ વધારીને 245 ટકા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
કોટક સિક્યોરિટીઝમાં કોમોડિટી રિસર્ચના એવીપી કાયનાત ચૈનવાલાએ આ અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમેરિકી સરકાર દ્વારા ચીનના નિકાસ નિયમો પર કડકાઈ લાવ્યા બાદ કિંમતોમાં ઉછાળો આવ્યો છે. અબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ ચિંતન મહેતાએ આ તેજીનું કારણ અમેરિકી ડોલરનું નબળું પડવું ગણાવ્યું હતું.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
