<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

કઈક તો રંધાય રહ્યું છે!! રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીની ટોચના નેતાઓ સાથે બેઠક : ભાજપ અધ્યક્ષથી લઈને કેબિનેટ સુધી મોટા ફેરફારોની સિવાય રહી છે શક્યતા

PM મોદીની સતત બેઠકોથી રાજકીય વર્તુળોમાં હલચલ : કેબિનેટ અને પાર્ટીમાં મોટા ફેરફારોની અટકળો : રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ દ્વારા વિધાનસભાના બિલ પર નિર્ણયની સમયમર્યાદા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ચર્ચાની શક્યતા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની મુલાકાત અને ત્યારબાદ ભાજપના ટોચના નેતાઓ સાથેની સતત બેઠકોએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપમાં ટૂંક સમયમાં મોટો સંગઠનાત્મક ફેરફાર થઈ શકે છે અને નવા પાર્ટી અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે.

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચેની મુલાકાત અને બુધવારે ભાજપના ટોચના નેતાઓની સતત બેઠકોએ રાજકીય ગલિયારોમાં ખળભળાટ મચાવી દીધો છે. જોકે, પાર્ટીના અધિકારીઓએ વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને એક ઔપચારિક પ્રક્રિયા ગણાવી છે, જેમાં વડાપ્રધાન દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને તેમની વિદેશ યાત્રાઓ વિશે માહિતી આપે છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પર પણ ચર્ચા થઈ શકે છે, જેમાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર ત્રણ મહિનામાં નિર્ણય લેવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકાર હવે આ નિર્ણય સામે પુનર્વિચાર અરજી દાખલ કરવાની તૈયારી કરી રહી છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, "પશ્ચિમ બંગાળમાં હિંસા અને વક્ફ બિલ અંગે ફેલાવવામાં આવી રહેલા ખોટા પ્રચાર પણ ગંભીર મુદ્દા છે. તેનાથી સાંપ્રદાયિક તણાવ વધી શકે છે, તેથી તેને પણ પ્રાથમિકતાના ધોરણે ઉકેલવાની જરૂર છે."

ઘણા આંતરિક મુદ્દાઓ પર કાનૂની સલાહ લેવાની સાથે જ કેબિનેટમાં સંભવિત ફેરબદલની પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જૂન 2024 માં ત્રીજી વખત સરકાર બન્યા પછી હજી સુધી કેન્દ્રીય મંત્રીમંડળમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આગામી મહિનાઓમાં બિહાર અને ત્યારબાદ 2026 માં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે આ રાજ્યોના નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

બુધવારે વડાપ્રધાન મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષ સાથે પણ મુલાકાત કરી હતી, જેની માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ બેઠક મંગળવારે શાહ અને સિંહ દ્વારા પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથેની બેઠક પછી તરત જ યોજાઈ હતી, જે દર્શાવે છે કે પાર્ટી ટૂંક સમયમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહ અને નડ્ડા વચ્ચે બુધવારે મોડી સાંજે યોજાયેલી બીજી બેઠકને પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણીની દિશામાં આગામી પગલું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે જેપી નડ્ડાને 2020 માં પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને 2024 માં લોકસભાની ચૂંટણીઓને કારણે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અમિત શાહને સરકારમાં સામેલ કરવામાં આવ્યા ત્યારે તેઓ 2019 માં કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા.

પાર્ટીના બંધારણ મુજબ, અધ્યક્ષનો કાર્યકાળ સતત બે વખત 3 વર્ષનો હોઈ શકે છે અને રાષ્ટ્રીય પરિષદ, રાજ્ય પરિષદોના સભ્યો ધરાવતા મંડળ દ્વારા તેમની ચૂંટણી કરવામાં આવે છે. 50 ટકા રાજ્યો દ્વારા તેમના પ્રદેશ અધ્યક્ષોની ચૂંટણી કર્યા પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 14 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે.

 

(11:19 PM IST)