તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 17th April 2025
ત્રિકોણ બાગ પાસે ટાઇટનના શો રૂમમાં ૭૦ લાખની ચોરી
છ તસ્કરો સીસીટીવી ફૂટેજમાં દેખાયાઃ શટર ઉંચકાવી એક ચોર ગ્લોવ્ઝ પહેરી અંદર ઘુસ્યો બીજા બહાર આંટાફેરા કરતાં રહ્યાં: ત્રિકોણ બાગ તરફથી આવ્યા અને ચોરી કરી એસટી બસ પોર્ટ તરફ જતાં રહ્યાઃ ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને બોલાવાયાઃ ફૂટેજને આધારે તપાસ : સવારે દસ વાગ્યે કર્મચારી જીતુભાઇએ શો રૂમ ખોલ્યો ત્યારે ચોરીની જાણ થઇઃ માલિક રવિભાઇ ચોટાઇની ફરિયાદઃ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-૨ દોડી ગયાઃ એસીપી ક્રાઇમ, એસઓજી, એલસીબી, એ-ડિવીઝન પોલીસની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ : ૨૦ જ મિનીટમાં કામ તમામઃ સવારે ૪:૫૨ કલાકે ચોર અંદર ઘુસ્યો હતોઃ એક શકમંદ રાતે દસ વાગ્યે શો રૂમના ફોટા પાડતો હતો : રીમોટથી ખુલતું શટર જેકથી ઉંચુ કર્યાની શક્યતાઃ પહેલી નજરે તો ચોર ક્યાંથી ઘુસ્યો એ જ સમજાયું નહિઃ ફૂટેજ ચેક કરતાં શટર ઉંચકાયાનું સામે આવ્યું : ૬૬ લાખની કિંમતી ઘડીયાળો અને ૪ લાખની રોકડ તસ્કરો ઉસેડી ગયા

પોલીસને પડકારઃ શહેરના હાર્દ સમા અને સતત ધમધમતાં રહેતાં ત્રિકોણબાગ નજીક આવેલા ટાઇટન વર્લ્ડ નામના ઘડીયાળના શો રૂમમાં વહેલી સવારે ત્રાટકેલા તસ્કરો ૬૬ લાખની અલગ અલગ બ્રાન્ડની કિંમતી ઘડીયાળો તેમજ ૪ લાખની રોકડ મળી ૭૦ લાખની માલમત્તા ચોરી જતાં ખુદ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, ઍસીપી ક્રાઇમ બી. બી. બસીયા, ઍસીપી ચોધરી, પીઆઇ આર. જે. બારોટ, ઍસઓજી પીઆઇ ઍસ. ઍન. જાડેજા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ ઍમ.આર. ગોîડલીયા, ઍલસીબીની ટીમો, ઍ-ડિવીઝન ડી. સ્ટાફની ટીમોઍ દોડી જઇ તપાસ શરૂ કરી હતી. જ્યાં ચોરી થઇ તે શો રૂમ, અંદર શો રૂમ સંચાલક પાસેથી માહિતી મેળવી રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, તસ્કરો જેમાંથી ઘડીયાળો ચોરી ગયા તે ખાલી શો-કેસ, શો રૂમના સંચાલક-માલિક રવિભાઇ ચોટાઇ તથા પગેરૂ સુંઘી રહેલો પોલીસનો ડોગ જાઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા) (૧૪.૧૧)
રાજકોટ તા. ૧૭: શહેરમાં તસ્કરો પોલીસને વધુ એક વખત મોટો પડકાર આપી ગયા છે. શહેરના હાર્દ સમા અને સતત ધમધમતા રહેતાં ત્રિકોણ બાગ નજીક જી. ટી. ગર્લ્સ હાઇસ્કૂલ પાસે આવેલા ટાઇટન વર્લ્ડ નામના કિંમતી ઘડીયાળોના શો રૂમમાં વહેલી સવારે ત્રાટકેલા બુકાનીધારી ચોર રૂા. ૬૬ લાખની અલગ અલગ ઘડીયાળો તેમજ રૂા. ૪ લાખની રોકડ મળી ૭૦ લાખની મત્તા ઉસેડી જતાં ખળભળાટ મચી ગયો છે. ભેદ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમો કામે લાગી છે. ચોર છ જેટલા ચોર સીસીટીવી કેમેરામાં દેખાયા છે. પાંચ જેટલા બહાર આટાફેરા કરતાં હતાં અને એક ચોર ગ્લોવ્ઝ પહેરી અંદર ઘુસી ગયો હતો. રીમોટથી જ ખુલતું આ શો રૂમનું શટર કોઇ હાઇડ્રોલીક જેકથી કે બીજા કોઇ સાધનનો ઉપયોગ સ્હેજ ઉંચુ કરાયું હતું.
જાણવા મળ્યા મુજબ ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઇટન વર્લ્ડ નામના શો રૂમમાં મસમોટી ચોરી થયાની જાણ થતાં એ-ડિવીઝન પીઆઇ આર. જે. બારોટ અને ડી. સ્ટાફની ટીમે પહોંચી તપાસ શરૂ કરી હતી. શો રૂમના માલિક-સંચાલક રવિભાઇ ભૂપેન્દ્રભાઇ ચોટાઇએ ૬૬ લાખની અલગ અલગ ઘડીયાળો અને ૪ લાખની રોકડ મળી ૭૦ લાખની ચોરી થયાનું જણાવતાં ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. રવિભાઇ ચોટાઇએ જણાવ્યું હતું કે અમારા શો રૂમના કર્મચારી જીતુભાઇ નિત્યક્રમ મુજબ સવારે દસ વાગ્યે શો રૂમ ખાતે આવ્યા હતાં અને તેમની પાસે રહેલા રિમોટથી શટર ખોલી અંદર ગયા હતાં. અંદર પહોંચતા જ તેમની આંખો પહોળી થઇ ગઇ હતી. કેમ કે શો રૂમની અંદરના તમામ શો-કેસ તૂટેલા ફુટેલા દેખાયા હતાં અને અંદરથી કિંમતી ઘડીયાળો ગાયબ હતી. તેણે મને જાણ કરતાં હું પણ તાબડતોડ પહોંચી ગયો હતો. શટર બંધ હોઇ પહેલા તો ચોર કઇ રીતે અંદર ઘુસ્યા તેની ખબર પડી નહોતી. પરંતુ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં શટર ઉંચકીને એક ચોર હાથમાં ગ્લોવ્ઝ પહેરીને અંદર ઘુસતો દેખાયો હતો.
રવિભાઇ ચોટાઇએ વધુમાં જણાવ્યા મુજબ ચોર શો રૂમના તમામ શો કેસમાં તોડફોડ કરી તેમાં રાખેલી ૬૬ લાખની અલગ અલગ કંપનીની કિંમતી ઘડીયાળો અને કેશ કાઉન્ટરમાં રાખેલી ૪ લાખની રોકડ ચોરી ગયા છે. સીસીટીવી કેમેરા ચેક કરતાં આ ચોરીનો બનાવ સવારે ૪:૫૨ વાગ્યે બન્યાનું જણાઇ આવ્યું હતું. આ સમયે ચોર અંદર ઘુસ્યો હતો અને ૨૦ જ મિનીટમાં ચોરી કરી બહાર નીકળી ગયો હતો. બાકીના પાંચ જેટલા ચોર શો રૂમ બહાર થેલા સાથે આટાફેરા કરતાં જોવા મળ્યા હતાં. શો રૂમમાં ટાઇટન, સિકો, સ્વરોવ્સ્કી, નેબ્યુલા, એમ્પોરીઓ અરમાની, ફોસિલ, માઇકલ કોર્સ, ટોમ્મી હાઇફાઇર, ફિટબીટ સહિતની કંપનીઓની કિંમતી ઘડીયાળોનું વેંચાણ થાય છે.
મોટી ચોરીની ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા પણ પહોંચી ગયા હતાં. ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ, પીઆઇ એસઓજી, પીઆઇ ક્રાઇમ બ્રાંચ, એસીપી ચોૈધરી સહિતનો સ્ટાફ પણ પહોંચ્યો હતો અને ડોગ સ્ક્વોડ ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને બોલાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ અલગ કેમેરાના ફુટેજ ચેક કરતાં તસ્કરો ત્રિકોણબાગ તરફથી આવ્યા હતાં અને ચોરી કર્યા બાદ બસ સ્ટેશન તરફ જતાં રહ્યાનું માલુમ પડયું હતું. સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોનું પગેરૂ મેળવવા પોલીસની તમામ ટીમો કામે લાગી છે.
શો રૂમના માલિક રવિભાઇ ચોટાઇના કહેવા મુજબ તસ્કરો ૧૦૨ જેટલી ઘડીયાળો ચોરી ગયા છે જેની કિંમત ૬૬ લાખ થાય છે. આ સિવાય ચાર લાખની રોકડ પણ ચોરી ગયા છે. એક કર્મચારીના કહેવા મુજબ રાતે દસેક વાગ્યે એક શકમંદ એક્ટીવા પર શો રૂમ પાસે આવી મોબાઇલથી ફોટા પાડતો જોવા મળ્યો હતો. પોતે બહાર નીકળતાં એ શખ્સ જતો રહ્યો હતો. પોલીસે આ અંગે પણ તપાસ હાથ ધરી છે. રેકી કર્યા બાદ ફુલપ્રુફ પ્લાન ઘડી આ ચોરીને અંજામ અપાયાની શક્યતા છે. શહેરભરમાં ચોરીના આ બનાવથી ખળભળાટ મચી ગયો છે. ભેદ ઉકેલવા પોલીસની અલગ અલગ ટીમો મહેનત કરી રહી છે. (૧૪.૧૨)

શો રૂમમાંથી લાખોની મત્તા ઉસેડી જનારા તસ્કરો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ છે
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
