<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

આચાર્ય દેવવ્રતજીનું શિક્ષકોને પ્રેરક સંબોધન - શિક્ષક સમાજના ચારિત્ર્યના ઘડવૈયા : મૂલ્યોના રક્ષક અને જ્ઞાનના યોદ્ધા છે

લુધિયાણાની બી.સી.એમ. આર્ય સિનિયર સેકન્ડરી સ્કૂલમાં વિશેષ સત્રનું આયોજન : ગુજરાતના રાજ્યપાલે શિક્ષણને માત્ર જ્ઞાન નહીં પણ ચારિત્ર્ય ઘડતર અને આત્મિક જાગૃતિનું શક્તિશાળી સાધન ગણાવ્યું : વિદ્યાર્થીઓને ભીડથી અલગ વિચારવા અને ચાલવા માટે પ્રેરણા આપવા શિક્ષકોને આહ્વાન

લુધિયાણા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લુધિયાણાની બી.સી.એમ. આર્ય સિનિયર સેકન્ડરી સ્કૂલમાં આયોજિત એક વિશેષ સત્રમાં ઉપસ્થિત શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર જ્ઞાન આપવાનું સાધન નથી, પરંતુ તે ચારિત્ર્યનું ઘડતર કરનાર, મૂલ્યોની સ્થાપના કરનાર અને આત્મિક જાગૃતિ માટેનું એક શક્તિશાળી સાધન છે. આ સત્ર શિક્ષકો માટે પ્રેરણા, આત્મવિશ્લેષણ અને નવી ચેતનાનો સ્ત્રોત બની રહ્યું હતું.

આચાર્ય દેવવ્રતજીએ ‘શિક્ષકોને સશક્ત બનાવીએ’ વિષય પર પોતાનું વક્તવ્ય આપતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષક માત્ર પાઠ્યક્રમ ભણાવનાર વ્યક્તિ નથી, પરંતુ તેઓ સમાજના ચારિત્ર્યના ઘડવૈયા છે, જીવનના મૂલ્યોનું સંરક્ષણ કરનાર છે અને જ્ઞાનના સાચા યોદ્ધા છે. તેમણે ઉમેર્યું હતું કે સાચું શિક્ષણ એ ફક્ત માહિતી અને જાણકારી આપવા સુધી સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના હૃદયમાં એક ઉદ્દેશ્ય અને આત્મવિશ્વાસ જાગૃત કરવો તે છે. તેમણે તમામ શિક્ષકોને શિસ્ત, કરુણા અને ઉચ્ચ ચારિત્ર્ય સાથે પોતાના શિક્ષણ કાર્યનું નેતૃત્વ કરવા માટે આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે કહ્યું હતું કે આ સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને આધુનિકતાની દિશામાં આગળ વધીશું. તેમણે સ્વામી વિવેકાનંદના વિચારોનું ઉદાહરણ આપતાં શિક્ષકોને વિનંતી કરી હતી કે તેઓ વિદ્યાર્થીઓને ભીડથી અલગ રીતે વિચારવા અને પોતાની આગવી ઓળખ સાથે આગળ વધવા માટે પ્રેરિત કરે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શિક્ષકોને ખાસ વિનંતી કરી હતી કે તેઓ પોતાના દરેક પિરિયડ દરમિયાન રોજે ઓછામાં ઓછી પાંચ મિનિટ એવા પ્રેરણાદાયી વિચારો રજૂ કરે, જે વિદ્યાર્થીઓને તેમના જીવનની સાચી દિશા બતાવે. તેમણે વર્તમાન સમયની ઝડપથી બદલાતી ગતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જો આપણે સમય પ્રમાણે પોતાની જાતને નહીં બદલીએ તો આપણે પાછળ રહી જઈશું.

કાર્યક્રમની શરૂઆત સંસ્કૃત ભાષામાં રજૂ કરવામાં આવેલા એક ભાવનાત્મક સ્વાગત ગીતથી થઈ, જેણે સકારાત્મક ઊર્જાનો સંચાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી વંશિકાએ એક દેશભક્તિ ગીત રજૂ કરીને ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને જીવંત કરી દીધી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યપાલ, શાળાના અધ્યક્ષ રાકેશ જૈન, મેનેજર કેપ્ટન વી.કે. સ્યાલ, નિર્દેશિકા ડૉ. પરમજીત કૌર, પ્રિન્સિપલ ડૉ. અનુજા કૌશલ અને અન્ય સન્માનનીય સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રસ્તુત કરવામાં આવેલું શાસ્ત્રીય નૃત્ય માત્ર એક કલાત્મક અભિવ્યક્તિ નહોતું, પરંતુ તે આત્મ-શોધ, સમર્પણ અને જીવનના ઉદ્દેશ્યની શોધનો ગહન સંદેશ આપી રહ્યું હતું.

કાર્યક્રમના અંતે આર્ય સમાજ જૂથના નિર્દેશિકા ડૉ. પરમજીત કૌરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આભાર માન્યો હતો અને તેમના પ્રેરક વિચારોને દરેક શિક્ષક માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયક ગણાવ્યા હતા.

 

(5:03 PM IST)