News of Friday, 18th April 2025
અનોખી દુકાનઃ અહીં તમામ પ્રકારના જાનૈયા ભાડે મળશે, કાકા, મામા, ફુવા જે જોઈએ તે મળી જશે
ઘોડીની આગળ નાચતા જોશીલા જાનૈયા, ધીમે ધીમે ચાલતા વૃદ્ધ વરરાજાના મામા, અને સૌથી મોંઘા ભાડે મળે છે ફુવા, જેમને ભાડે લઈ જવાના ૫૧,૦૦૦ ભાડું થાય

અંબાલા,તા.૧૮: લગ્નની સિઝન હોય, ઘરે પ્રસંગ હોય આવા સમયે કોઈ સંબંધી નારાજ થઈ જાય તો ટેન્શન આવી જાય. મામા, ફુઆ, કાકા અથવા ભાભી. અને તેમાંયે જો કોઈ જાનમાં રહી જાય તો, તો તો આવી બને. પણ હરિયાણાના અંબાલામાં આ ચિંતાનો હલ શોધી કાઢવામાં આવ્યો છે. અહીંની એક દુકાન પર આપને ફક્ત પાન અથવા ફાસ્ટ ફૂડ જ નહીં પણ ભાડેથી સંબંધીઓ પણ મળશે, અહીં જાનૈયા પણ ભાડે મળે છે. જી હાં, તમે સાચું વાચ્યું.
અંબાલા છાવણીની બજારમાં બિહારીજી પાન વાલે નામની આ દુકાન કોઈ સામાન્ય દુકાનથી એકદમ અલગ છે. તેનો પાયો ૧૯૬૧માં નાખવામાં આવ્યો હતો. જ્યારે દુકાનના સંસ્થાપક પાનનો ધંધો કરતા હતા. પણ સમય સાથે જ્યારે તેમનો દીકરો વિકાસ બિહારીએ ધંધો સંભાળ્યો તો દુકાનનો નકશો બદલી નાખ્યો અને આ ફેરફારમાં તેમણે જાનૈયાને ભાડે આપવાનો અનોખો કોન્સેપ્ટ લઈને આવ્યા.
આ કહાનીની શરૂઆત ત્યારે થઈ જ્યારે દોસ્ત ઉદાસ થઈને તેમની દુકાને પાન ખાવા આવ્યો. પૂછયું તો તેણે જણાવ્યું કે, ગામમાં લગ્ન હતા, પણ કાકા નારાજ થતાં આખી જાન પાછી જતી રહી. ત્યારે બિહારીજીએ મજાકમાં કહ્યું કે, મને જ કાકા બનાવીને લઈ ગયો હોત તો. અહીંથી આ આઈડિયા તેમના મગજમાં ઘૂસી ગયો.
હવે આ દુકાન પર આપને લગ્નના દરેક જરૂરી સંબંધો ભાડે મળી જશે. ઘોડીની આગળ નાચતા જોશીલા જાનૈયા, ધીમે ધીમે ચાલતા વળદ્ધ વરરાજાના મામા, અને સૌથી મોંઘા ભાડે મળે છે ફુવા, જેમને ભાડે લઈ જવાના ૫૧,૦૦૦ ભાડું થાય છે.
આજે વિકાસ બિહારીની અંબાલામાં બે દુકાનો છે. અને એક નવી બ્રાન્ચ ચંદીગઢમાં શરૂ થઈ ચૂકી છે. ખાવા-પીવાની સાથે દુકાનમાં લગ્ન માટે સોશિયલ બેકઅપ સર્વિસ પણ બની ચૂકી છે. સંબંધીઓની ગેરહાજરીમાં હવે કોઈના લગ્નનો મૂડ ખરાબ થવા દેશે નહીં.(૪૦.૭)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
