<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

કર્ણાટકમાં માત્ર 1.62 લાખ જૈન? જૈન મુનિઓએ કર્યો વિરોધ : પોતાના સર્વેની કરી જાહેરાત

વરુર નવગ્રહ તીર્થ ક્ષેત્રના ગુણધરનંદી મહારાજે રાજ્યવ્યાપી પગપાળા કૂચ શરૂ કરી : સરકારને સાચી વસ્તીનો આંકડો આપવાની લીધી પ્રતિજ્ઞા

હુબલ્લી: કર્ણાટક સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જાતિ ગણતરીના આંકડાઓ અનુસાર રાજ્યમાં જૈનોની વસ્તી માત્ર 1.62 લાખ દર્શાવવામાં આવતા જૈન સમુદાયના ધર્મગુરુઓએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. વરુર નવગ્રહ તીર્થ ક્ષેત્રના ગુણધરનંદી મહારાજે આ આંકડાને ભ્રામક ગણાવીને ગુરુવારથી રાજ્યભરમાં પગપાળા કૂચ શરૂ કરી છે અને સરકારને જૈનોની સાચી વસ્તીનો આંકડો આપવાની જાહેરાત કરી છે.

વરુર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ગુણધરનંદી મહારાજે જણાવ્યું હતું કે વિધાનસભામાં લઘુમતી કલ્યાણ મંત્રી બી. ઝેડ. ઝમીર અહેમદ ખાને રાજ્યમાં જૈનોની વસ્તી લગભગ 20 લાખ હોવાનું જણાવ્યું હતું. ત્યારે જાતિ ગણતરીના આંકડા વાસ્તવિકતાથી ઘણા દૂર છે. તેમણે ઉમેર્યું હતું કે આ ગણતરીમાં તેમના સહિત અનેક જૈનોને બાકાત રાખવામાં આવ્યા છે. બેલગાવી જિલ્લાના ચિક્કોડીમાં જ લગભગ એક લાખ જૈનો છે. જો મીડિયા દ્વારા જાહેર કરાયેલો જાતિ ગણતરીનો અહેવાલ સત્તાવાર હોય તો તેઓ તેનો સખત વિરોધ કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૈન સમુદાય પોતાનો સર્વે કરશે અને 8 જૂન સુધીમાં સરકારને સાચી વસ્તીની માહિતી સુપરત કરશે. આ સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જૈન સમુદાયે વારંવાર અન્યાયનો સામનો કરવો પડ્યો છે. આ અંગે વધુ સંગઠિત વિરોધની યોજના બનાવવા માટે 6 મેના રોજ બેલગાવી જિલ્લાના ઐનાપુરમાં સમુદાયની એક મોટી બેઠક યોજાશે.

 

(2:33 PM IST)