News of Friday, 18th April 2025
દિલ્હીમાં અચાનક વાતાવરણમાં પલટો : તેજ પવન સાથે વરસાદ શરૂ, લોકોને ગરમીથી રાહત : જુઓ વિડીયો
હવામાન વિભાગની આગાહી : આજે રાત અને આવતીકાલે પણ હળવો વરસાદ થવાની સંભાવના : તાપમાનમાં ઘટાડો નોંધાશે

નવી દિલ્હી : ગઈકાલે શુક્રવારે મોડી સાંજે દિલ્હીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. થોડી જ વારમાં મધ્યમ વરસાદ શરૂ થતાં શહેરનું વાતાવરણ સુખદ બની ગયું હતું. આ વરસાદથી લોકોને ભીષણ ગરમીથી ઘણી રાહત મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાત અને 19મી એપ્રિલે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. જો આવતીકાલે પણ વરસાદ પડશે તો લોકોને ગરમીથી વધુ રાહત મળશે. રાજધાનીમાં શનિવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનો અંદાજ છે.
સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે જ રહેશે. જો કે, 18 અને 19 એપ્રિલે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી હતી. આઈએમડી અનુસાર, રાજધાનીમાં શનિવારે ‘આંશિક રીતે વાદળછાયું’ અને સાંજ સુધીમાં ‘સામાન્ય રીતે વાદળછાયું’ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં શનિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 38 ડિગ્રી સેલ્સિયસ અને 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનો અંદાજ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હીમાં શનિવારે ખૂબ જ હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ અને ગાજવીજ સાથે છાંટા પડવાની, વીજળી ચમકવાની અને ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. વિભાગે જણાવ્યું કે સાંજના સમયે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તે વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. આ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી સાચી સાબિત થતી જોવા મળી રહી છે. હાલમાં હળવો વરસાદ વરસી રહ્યો છે અને તેના વધુ તીવ્ર થવાની શક્યતા છે.
દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં થતા ફેરફારોની સાથે પ્રદૂષણનું સ્તર પણ વધઘટ થઈ રહ્યું છે. શુક્રવારે એક્યુઆઈ 201 નોંધાયો હતો, જે ખરાબ શ્રેણીમાં આવે છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મે મહિનાથી તેના સ્તરમાં થોડો ઘટાડો નોંધાશે. શૂન્યથી 50 વચ્ચેના એક્યુઆઈને સારો, 51થી 100 વચ્ચેનાને સંતોષકારક, 101થી 200 વચ્ચેનાને મધ્યમ, 201થી 300 વચ્ચેનાને ખરાબ, 301થી 400 વચ્ચેનાને ખૂબ જ ખરાબ અને 401થી 500 વચ્ચેનાને ગંભીર ગણવામાં આવે છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
