<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

સોનાના ભાવમાં તોફાની તેજી છતાં માર્ચમાં ગોલ્ડની આયાત 192 ટકા ઉછળી 4.47 અબજ ડોલર પહોંચી

રોકાણકારોનો સોનામાં વિશ્વાસ મજબૂત :વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનામાં સતત રોકાણ વધ્યું

નવી દિલ્હી :તાજેતરના સમયમાં સોનાની કિંમતોમાં નોંધપાત્ર વૃદ્ધિને પગલે દેશમાં ગોલ્ડની આયાત માર્ચ મહિનામાં 192.13 ટકાના ઉછાળા સાથે 4.47 અબજ ડોલર પહોંચી છે. આ સાથે નાણાકીય વર્ષ 2024-25માં કુલ આયાત 27.27 ટકા વધીને 58 અબજ ડોલર પહોંચી છે, જે વર્ષ 2023-24માં 45.54 અબજ ડોલર હતી.

આયાતમાં જે વૃદ્ધિ થઈ છે તે એ બાબતના સંકેત આપે છે કે રોકાણકારોનો સોનામાં વિશ્વાસ મજબૂત છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનામાં સતત રોકાણ વધી રહ્યું છે, ખાસ કરીને બેન્કો તરફથી માંગ અને કિંમતોમાં જે ઉછાળો આવ્યો છે તે પણ અન્ય એક કારણ છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 17મી એપ્રિલના રોજ સોનુ 10 ગ્રામ દીઠ રૂપિયા 98,170 થયું હતું. ડોલરના મૂલ્યમાં નબળાઈ, વ્યાપાર યુદ્ધની સ્થિતિમાં વધતો તણાવ તથા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ સંબંધિત જાહેરાતો વચ્ચે વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિને લઈ ચિંતા જોવા મળી રહી છે. જેને પગલે સોનામાં સતત રોકાણ વધી રહ્યું છે.

સ્વિત્ઝર્લેન્ડ સોનાની આયાતોનો સૌથી મોટો સ્રોત છે અને તે આશરે 40 ટકા હિસ્સેદારી ધરાવે છે, ત્યારબાદ UAE કે જે આશરે 16 ટકા અને દક્ષિણ આફ્રિકા આશરે 10 હિસ્સેદારી સાથે સૌથી મોટા સ્રોતો પૈકીના એક છે.

કિંમતી ધાતુનું દેશની કૂલ આયાતમાં 8 ટકા જેટલી ઊંચી હિસ્સેદારી રહી છે.

વોલ્યુમની દ્રષ્ટિએ જોઈએ તો નાણાકીય વર્ષ 2024-25માં સોનાની આયાત 757.15 ટન રહી હતી, જે અગાઉ વર્ષ એટલે કે 2023-24માં 795.32 ડોલર હતી. ફેબ્રુઆરીમાં સોનાની આયાત આશરે 68 ટકા ગગડી હતી ત્યારે જાન્યુઆરીમાં અને ડિસેમ્બર,2024માં અનુક્રમે 40.8 ટકા અને 55.39 ટકા વધી હતી.

 

(10:49 PM IST)