<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

અમે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવા નહીં દઈએ: નેતન્યાહૂની ધમકીએ સમગ્ર વિશ્વનું વધાર્યું ટેન્શન

ઇઝરાયેલે કહ્યું - અમે ઈરાનના પરમાણુ કાર્યક્રમને અટકાવવા તમામ પ્લાન બનાવી દીધા છે. અમે અનેક ગુપ્ત અને પ્રત્યક્ષ અભિયાન ચલાવી રહ્યા છે

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન દ્વારા પરમાણુ શસ્ત્રો બનાવવાના પ્લાન પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે ધમકી આપતાં કહ્યું છે કે, ભલે ગમે તે થાય, અમે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવા નહીં દઈએ. થોડા દિવસ પહેલા જ તેહરાન અને અમેરિકન તંત્ર નવા પરમાણુ સમજૂતી પર નવેસરથી વાતચીત કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, ત્યારબાદ નેતન્યાહૂનું આ નિવેદન સામે આવ્યું છે.

ઈઝરાયલના વડાપ્રધાનના કાર્યાલયે સત્તાવાર કહ્યું છે કે, ‘અમે ઈરાનના પરમાણુ કાર્યક્રમને અટકાવવા તમામ પ્લાન બનાવી દીધા છે. અમે અનેક ગુપ્ત અને પ્રત્યક્ષ અભિયાન ચલાવી રહ્યા છે તેમજ વૈશ્વિક સ્તરે પણ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, ઓમાનની રાજધાની મસ્કતમાં 12 એપ્રિલે ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચી અને અમેરિકન દૂત સ્ટીવ વિટફૉક વચ્ચે મુલાકાત થઈ હતી. બંને દેશોએ આ મુલાકાતને માત્ર રચનાત્મક હોવાનું ગણાવી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખે માર્ચ-2025માં ખુલાસો કર્યો હતો કે, ઈરાને સંયુક્ત આરબ અમીરાત દ્વારા અમને પ્રસ્તાવ મોકલ્યો હતો, ત્યારબાદ ઈરાન અપ્રત્યક્ષ વાતચીત કરવા માટે રાજી થયું છે.

ઈટાલીની રાજધાની રોમમાં ઓમાનની મધ્યસ્થતા હેઠળ 19 એપ્રિલે ઈરાન-અમેરિકા તંત્ર વચ્ચે વાતચીત થવાની છે. રિપોર્ટ મુજબ આ દરમિયાન બંને દેશ પરમાણુ સમજુતી કરાર અંગે વાતચીત કરી શકે છે. ઈઝરાયલ અને પશ્ચિમ દેશોએ ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ ઈરાને પણ તેમના આક્ષેપોને રદિયો આપતાં કહ્યું છે કે, અમે શાંતિપૂર્ણ ઉદ્દેશ્ય માટે પરમાણુ કાર્યક્રમ પર કામ કરી રહ્યા છીએ. ઈઝરાયલ હંમેશા સૈન્ય કાર્યવાહી કરવામાં માને છે, જે ટ્રમ્પના કૂટનીતિક પ્રયાસોથી ઉલટા છે. ટ્રમ્પ મધ્યસ્થતા કરીને સમજૂતી કરવા માંગે છે, જ્યારે નેતન્યાહૂનું માનવું છે કે, ઈરાનને પરમાણુ કાર્યક્રમ માત્ર સૈન્ય કાર્યવાહી કરીને જ ખતમ કરી શકાય છે.

(11:41 PM IST)