News of Monday, 21st April 2025
રાત્રે એક વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં પાંચ દેશોમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી : ભૂકંપની તીવ્રતા 3 થી 5 સુધી નોંધાઈ
ભારત, તિબેટ, મ્યાનમાર, તાજિકિસ્તાન અને ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા : સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી

નવી દિલ્હી : છેલ્લા સવા વર્ષથી સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓએ લોકોમાં ભયનું વાતાવરણ સર્જ્યું, મોટી કુદરતી આફતની દહેશત વચ્ચે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પાંચ દેશોમાં આવેલા ભૂકંપની પુષ્ટિ કરી.
ગઈ રાત્રે એક વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં ભારત સહિત પાંચ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી હતી. ઊંઘમાં ડૂબેલા લોકોએ ક્યાંક હળવા તો ક્યાંક તીવ્ર આંચકાઓનો અનુભવ કર્યો હતો. ભારત, તિબેટ, મ્યાનમાર, તાજિકિસ્તાન અને ઇન્ડોનેશિયામાં આવેલા આ ભૂકંપના આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 થી 5 ની વચ્ચે નોંધાઈ હતી.
જો કે, આ પાંચેય દેશોમાંથી ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ છેલ્લા સવા વર્ષથી જે રીતે દરરોજ ભૂકંપ આવી રહ્યો છે અને આંચકાઓ અનુભવાઈ રહ્યા છે, તેના કારણે લોકોમાં ડરનું વાતાવરણ ફેલાયું છે. ભયંકર કુદરતી આપત્તિનું જોખમ તોળાઈ રહ્યું હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આ પાંચ દેશોમાં આવેલા ભૂકંપની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
કયા દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા:
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના અહેવાલ મુજબ, ભારતના આસામ જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યાને 46 મિનિટે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર સોનિતપુરમાં પૃથ્વીના પેટાળમાં 13 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
ઇન્ડોનેશિયાના સેરામ ટાપુ પર 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઇન્ડોનેશિયામાં છેલ્લા ઘણા દિવસોથી સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે.
ભારતના પાડોશી દેશ તિબેટમાં પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા સવારે 5 વાગ્યાને 33 મિનિટે અનુભવાયા હતા, જ્યારે લોકો ઊંઘમાંથી જાગવાની તૈયારી કરી રહ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર તિબેટમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
તાજેતરમાં મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. 29 માર્ચે આવેલા ભૂકંપે મ્યાનમારમાં ભારે તબાહી મચાવી હતી. ત્યારથી લઈને આજ સુધી અહીં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. આજે સવારે 2 વાગ્યાને 47 મિનિટે પણ 3.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
પાકિસ્તાનના પાડોશી દેશ તાજિકિસ્તાનમાં છેલ્લા પાંચ દિવસથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. ગત રાત્રે તાજિકિસ્તાનમાં એક કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો આંચકો રાત્રે 1 વાગ્યાને 50 મિનિટે આવ્યો હતો, જેની તીવ્રતા 4.2 હતી, જ્યારે બીજો આંચકો રાત્રે 2 વાગ્યાને 4 મિનિટે આવ્યો હતો, જેની તીવ્રતા 4 નોંધાઈ હતી.
(6:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
