News of Tuesday, 22nd April 2025
બોલો... અમેરિકામાં હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી પણ સલામત નથી રહ્યા! ક્રિસ્ટી નોએમનું પર્સ ચોરાયું : પાસપોર્ટ, સુરક્ષા બેજ અને 3,000 ડોલરની રોકડ ગાયબ
વોશિંગ્ટન ડી.સી.ની રેસ્ટોરન્ટમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે બની ઘટના : પર્સમાં ડ્રાઇવિંગ લાયસન્સ, દવાઓ, ઘરની ચાવીઓ અને કોરા ચેક પણ હતા : પોલીસ તપાસ શરૂ

વોશિંગટન : હવે તો લાગે છે કે અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સેક્રેટરી પણ સલામત નથી. સેક્રેટરી ક્રિસ્ટી નોએમનું પર્સ રવિવારે રાત્રે વોશિંગ્ટન ડી.સી.ની એક રેસ્ટોરન્ટમાંથી ચોરાઈ ગયું હતું. વિભાગે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પર્સમાં તેમનો પાસપોર્ટ, વિભાગનો સુરક્ષા બેજ અને 3,000 ડોલરની રોકડ રકમ હતી.
શ્રીમતી નોએમે સોમવારે સવારે વ્હાઇટ હાઉસ ખાતે ઇસ્ટર એગ રોલ કાર્યક્રમમાં પણ આ ચોરીની ઘટનાની માહિતી આપી હતી.
વિભાગે આ અંગે વધુ વિગતો આપી નથી, પરંતુ વિવિધ મીડિયાએ અહેવાલની વિગતોની પુષ્ટિ કરી છે. અહેવાલ અનુસાર, શ્રીમતી નોએમના પર્સમાં તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ, દવાઓ, એપાર્ટમેન્ટની ચાવીઓ અને કોરા ચેક પણ હતા.
વિભાગે ઇમેઇલ દ્વારા જણાવ્યું હતું કે, "તેમનું આખું કુટુંબ, જેમાં તેમના બાળકો અને પૌત્રોનો સમાવેશ થાય છે, શહેરમાં હતું. તેઓ તે રોકડ રકમનો ઉપયોગ તેમના પરિવારને રાત્રિભોજન, પ્રવૃત્તિઓ અને ઇસ્ટરની ભેટો આપવા માટે કરવાના હતા."
વોશિંગ્ટન ડી.સી.ના મેટ્રોપોલિટન પોલીસ વિભાગે સોમવારે આ અંગેના પ્રશ્નો સીક્રેટ સર્વિસને મોકલ્યા હતા, જ્યારે સીક્રેટ સર્વિસે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ટ્રમ્પ વહીવટીતંત્રમાં જોડાતા પહેલાં સાઉથ ડાકોટાના રિપબ્લિકન ગવર્નર રહેલાં શ્રીમતી નોએમ તેમની ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે ચર્ચામાં રહ્યા છે. જેમાં અલ સાલ્વાડોરની જેલનો એક વિડિયો પણ સામેલ છે, જેમાં તેમણે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કેપ અને રોલેક્સ ઘડિયાળ પહેરી હતી.
હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી તરીકે, શ્રીમતી નોએમ રાષ્ટ્રની સુરક્ષા માટે જવાબદાર વિભાગનું સંચાલન કરે છે. તેમની જવાબદારીઓમાં સરહદ નિયંત્રણ અને ઇમિગ્રેશન, આતંકવાદ સામે રક્ષણ અને સાયબર સુરક્ષાનો સમાવેશ થાય છે.
વિભાગ હેઠળની એજન્સીઓમાં ફેમા (કટોકટી એજન્સી), કોસ્ટ ગાર્ડ અને સીક્રેટ સર્વિસનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસ આ ચોરીની ઘટનાની તપાસ કરી રહી છે.
(7:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
