<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

સાઉદી અરેબિયાએ હવામાં પીએમ મોદીનું કર્યું વિશેષ સ્વાગત : વીડિયો આવ્યો સામે

પીએમ મોદીના વિમાનને સાઉદી અરેબિયાના એર સ્પેસમાં સ્પેશિયલ સુરક્ષા આપવામાં આવી : એરફોર્સના વિમાનોએ તેમના વિમાન સાથે ઉડાન ભરી

દુબઈ : પીએમ મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે રવાના થયા છે. જ્યારે પીએમ મોદીના વિમાને સાઉદી અરેબિયાના એર સ્પેસમાં એન્ટ્રી લીધી છે. આ પ્રસંગે સાઉદી અરેબિયાએ સ્પેશિયલ જેસ્ચર દર્શાવ્યું છે. સાઉદી અરેબિયાના એર સ્પેસમાં પીએમ મોદીનું વિમાન પહોંચતા સાઉદી અરેબિયાની એર ફોર્સે તેમના વિમાનને સ્પેશિયલ સુરક્ષા પૂરી પાડી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીએમ મોદીના વિમાન સાથે સાઉદી અરેબિયાની એર ફોર્સના વિમાન (રોયલ સાઉદી એર ફોર્સના F15s) પણ ઉડાન ભરતા જોવા મળી રહ્યા છે.

પીએમ મોદીની ત્રીજી સાઉદી અરેબિયાની યાત્રા
છેલ્લા એક દાયકામાં પીએમ મોદીની આ સાઉદી અરેબિયાની ત્રીજી યાત્રા હશે. જ્યારે પીએમ મોદી ઐતિહાસિક શહેર જેદ્દાની પ્રથમ વખત યાત્રા કરશે. સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસે X પર એક પોસ્ટમાં કહ્યું, "ભારત-સાઉદી ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સે 21 એપ્રિલના રોજ રિયાધમાં પોતાની બેઠક કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા 24 કલાકમાં વ્યાપાર, રોકાણ અને રક્ષાના ક્ષેત્રોમાં વધારાના કરારોને અંતિમ રૂપ આપવા માટે નક્કર પ્રયાસ કરવામાં આવ્યા. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર મોદી મંગળવારે સાઉદી અરેબિયા પહોંચવાના છે.

ઘણા મુદ્દાઓ પર થશે વાતચીત:
જણાવી દઈએ કે પીએમ મોદીના સાઉદી અરેબિયા પ્રવાસ દરમિયાન ભારતીય તીર્થયાત્રીઓ માટે હજ ક્વોટામાં વધારો થવાની સંભાવના છે. આ મુદ્દા પર બંને દેશના નેતાઓ વાતચીત પણ કરશે. આ ઉપરાંત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ઓછામાં ઓછા છ સમજૂતી કરારો (MoU) પર સમજૂતી થઈ શકે છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે અંતરિક્ષ, ઊર્જા, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને અનુસંધાન, સંસ્કૃતિ અને અદ્યતન ટેક્નોલોજી સહિત મુખ્ય ક્ષેત્રોમાં સમજૂતી કરારોને ઔપચારિક રૂપ આપવાની અપેક્ષા છે.

પીએમ મોદીએ X પર પોસ્ટ કરી:
જ્યારે સાઉદી અરેબિયા જવા રવાના થતા પહેલા પીએમ મોદીએ X પર તેની જાણકારી શેર કરી. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, "સાઉદી અરેબિયાના જેદ્દા માટે રવાના થઈ રહ્યો છું, જ્યાં હું વિવિધ બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લઈશ. ભારત સાઉદી અરેબિયા સાથે પોતાના ઐતિહાસિક સંબંધોને મહત્વ આપે છે. છેલ્લા દાયકામાં દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર ગતિ આવી છે. હું રણનીતિક ભાગીદારી પરિષદની બીજી બેઠકમાં ભાગ લેવા માટે ઉત્સુક છું. હું ત્યાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરીશ."

 

(2:32 PM IST)