<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

પહેલગામ આતંકી હુમલા બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ : ગુજરાત સહિત દેશભરમાં સુરક્ષા વધારાઈ

દેશભરના પ્રવાસન સ્થળો અને મહત્વના વિસ્તારોમાં સુરક્ષા સઘન કરવામાં આવી : હુમલામાં ૨૮ લોકોના મોત : પાકિસ્તાની આતંકી સંગઠન TRFએ જવાબદારી સ્વીકારી

નવી દિલ્હી - જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દિલ્હી પોલીસને પ્રવાસન સ્થળો, બજારો, મોલ્સ અને અન્ય મહત્વના સ્થળો પર ચાંપતી નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

પહેલગામના બૈસરન ખીણ વિસ્તારમાં થયેલા આ હુમલામાં આતંકીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ્સ અનુસાર ૨૮ લોકોના મોત થયા છે, જેમાં ગુજરાતના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૫થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ૯ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ભયાનક હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ લીધી છે, જેને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલું માનવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને પકડવા માટે તલાશી અભિયાન ચાલુ છે. અમિતભાઈ શાહે જણાવ્યું છે કે આ કૃત્યના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની સાથે સાથે દેશભરના અન્ય રાજ્યોમાં પણ પ્રવાસન સ્થળો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા સઘન કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ હુમલાની નિંદા કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમજ ઘાયલોની સારવાર માટે તમામ શક્ય સહાયની ખાતરી આપી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી છે અને સરકારને આતંકવાદ સામે કડક પગલાં લેવા જણાવ્યું છે.

ગુજરાતમાં પણ આ હુમલાને પગલે સતર્કતા દાખવવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોના પ્રવાસન સ્થળો અને જાહેર સ્થળો પર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક તેની જાણ કરવા અપીલ કરી છે. પહેલગામમાં થયેલો આ હુમલો દેશની સુરક્ષા માટે એક મોટો પડકાર છે અને દેશભરમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે સરકારે આવા હુમલાઓને રોકવા અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધુ કડક પગલાં લેવાની તાતી જરૂરિયાત છે.

 

(9:54 PM IST)