News of Tuesday, 22nd April 2025
પહેલગામના આતંકવાદી હુમલામાં ગુજરાતના શાલિન્દ્ર કલ્પિયા સહિત ઇઝરાઇલ, ઇટાલી કે નેપાળ પૈકીના બે વિદેશીઓના મૃત્યુ: એક ઉચ્ચ અધિકારીનું પણ મૃત્યુ ? મૃતકોમાં લેફ્ટિનન્ટ વિનય નરવાલ અને તેમનાં પત્ની હિમાંશી, કર્ણાટકના શિવમોગા જિલ્લાના ઉદ્યોગપતિ મંજૂનાથ રાવનો સમાવેશ
હુમલાની જવાબદારી ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) આતંકવાદી સંગઠને લીધી છે: જે લશ્કર-એ-તૈયબાનું નવું સ્વરૂપ મનાય છે: કાશ્મીર આતંકવાદને સ્વદેશી પ્રતિકાર આંદોલન તરીકે દર્શાવવા માટે ટીઆરએફરચના થઈ છે

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરન મેદાનમાં મંગળવારે બપોરે આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ૨૮ લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા. મૃતકોમાં ગુજરાતના શાલિન્દર કલ્પિયા, બે વિદેશી નાગરિકો (એક ઇટાલી અને એક ઇઝરાયેલ અથવા નેપાળનો) તેમજ બે સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં એક ઉચ્ચ અધિકારીના મૃત્યુની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ પૂછીને અને ધર્મની ઓળખ કરીને તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ સૈન્યની વરદી પહેરીને બૈસરન મેદાનમાં પ્રવેશ કર્યો અને બિનજરૂરી ગોળીબાર શરૂ કર્યો. આ ઘટનામાં મૃતકોમાં એક મહિલા અને ૨૭ પુરુષોનો સમાવેશ છે. મૃતકોમાં લેફ્ટિનન્ટ વિનય નરવાલ અને તેમનાં પત્ની હિમાંશી, કર્ણાટકના શિવમોગા જિલ્લાના ઉદ્યોગપતિ મંજૂનાથ રાવ તેમજ મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં પરિવારો, મહિલાઓ અને વૃદ્ધો સહિત ઘોડેસવારી અને વસંતના નજારાનો આનંદ માણતા પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા. એક મહિલા પ્રત્યક્ષદર્શીએ સુરક્ષાકર્મીઓને જણાવ્યું કે હુમલાખોરોએ ગોળીબાર પહેલાં નામ પૂછ્યાં હતાં, જે દર્શાવે છે કે આ હુમલો આયોજિત હતો. ઘટનાસ્થળના વીડિયોમાં અરાજકતા દેખાય છે, જ્યાં ચારે કોર મૃતદેહો પડેલાં છે અને પરિવારજનો ગોળીબાર અને ચીસાચીસ વચ્ચે પોતાના સ્વજનોની શોધખોળ કરતા જોવા મળે છે.
આ હુમલાની જવાબદારી ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) નામના આતંકવાદી સંગઠને લીધી છે. સુરક્ષા એજન્સીઓ ટીઆરએફને લશ્કર-એ-તૈયબાનું નવું સ્વરૂપ માને છે, જેને કાશ્મીર આતંકવાદને સ્વદેશી પ્રતિકાર આંદોલન તરીકે દર્શાવવા માટે રચવામાં આવ્યું છે. ટીઆરએફ એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને તેનો હેતુ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી કામગીરી સામેની આંતરરાષ્ટ્રીય તપાસ અને એફએટીએફ પ્રતિબંધોને ટાળવાનો છે.
ઘાયલોની સંખ્યા ડઝનબંધ હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ તેમની ચોક્કસ સંખ્યા અને સ્થિતિ અંગે હજુ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. સુરક્ષાબળો દ્વારા ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
તસવીરમાં મૃતદેહના ઢગલાઓ ઉપર તાલપત્રી ઢાંકતા સુરક્ષા જવાન નજરે પડે છે. (સુરેશ ડુગર જમ્મુ દ્વારા)
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
